Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ગીર સોમનાથ જીલ્લાની અર્ચના નાઘેરાએ ઇન્‍ટરનેશનલ કક્ષાએ ભારતનું નામ રોશન કર્યું

ભાલપરાના ખેડૂતની દીકરીએ વિશ્વ સ્‍પર્ધામાં હાંસલ કર્યો સીલ્‍વર મેડલ

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ,તા. ૨૦ : ગીર સોમનાથના ભાલપરા ગામના ખેડૂતની દીકરી કુ.અર્ચના નાઘેરાએ ફ્રાન્‍સ ખાતે ચાલી રહેલ વર્લ્‍ડ સ્‍કૂલ ગેમ જૂડો સ્‍પર્ધામાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરી ૪૦ કે.જી. જુડો સ્‍પર્ધામાં સિલ્‍વર મેડલ હાંસલ કરી ભારત દેશનું નામ ગૌરવવંતુ કર્યું.

સોમનાથના ભાલકા મંદિર સાનિધ્‍યમાં આવેલ ભાલકા સ્‍થિત તેમના પિતાશ્રી નાથાભાઇ નાઘેરા વિગતે વાત કહેતાં કહે છે. ‘ઇન્‍ટરનેશનલ કક્ષાનો આ બીજો મેડલ તેણીએ જીત્‍યો છે. પ્રથમ કોમનવેલ્‍થ ચેમ્‍પયીનશીપમાં અને આજે વર્લ્‍ડ ઇન્‍ટર સ્‍કૂલનો બીજો એવોર્ડ મળ્‍યો.

નાનપણથી જ અર્ચનાને સ્‍પોટ્‍સમાં બહુ જ રસ જેથી ધોરણ ૧૨ પાસ કરી તેઓ નડીયાદ ત્‍યારબાદ સાણંદ સંસ્‍કારધામ ખાતે પ્રેકટીસ કરી આ સિધ્‍ધી હાંસલ કરી.

તેઓએ સ્‍પોર્ટ્‍સ સ્‍કૂલ રાજકોટ ખાતે પણ અભ્‍યાસ કરેલ છે અને પરર્ફોમન્‍સ આધારે ખેલો ઇન્‍ડીયા સ્‍કીમમાં તેઓ પસંદગી પામી ચૂકેલા છે.

તેમની સાથે ગુજરાતમાંથી કુલ ચાર સ્‍પર્ધકો ગયા હતા જેમાં બે યુવાનો અને બે યુવતિઓ જેમાંથી તેમને એટલે કે અર્ચન બહેન નાઘેરા એકને જ આ મેડલ મળેલ છે.

ભાલપરાના નવા પ્‍લોટ, સીમશાળામાં અભ્‍યાસ કરી ચુકેલા અર્ચના બહેને રમતગમત ક્ષેત્રે ભારતનું નામ રોશન કરતાં ભાલપરાના અગ્રણી વિક્રમ પટાટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી ગામનું-રાજ્‍યનું અને રાષ્‍ટ્રનું ગૌરવ ગણાવ્‍યા હતા. 

(9:52 am IST)