Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

દાંત સ્વસ્થ તો શરીર નિરોગી: કેવી રીતે દાંતને રાખશો સ્વચ્છ અને સ્વસ્થ? વેબીનાર દ્વારા કચ્છથી કેરાલા અને મહારાષ્ટ્રના તાલીમાર્થીઓને અપાઈ ટીપ્સ

ભુજની જી.કે. જન.અદાણી હોસ્પિ.ના ડેન્ટીસ્ટે અદાણી સ્કિલ ડેવ.ના તાલીમાર્થીઓને વેબીનાર દ્વારા સમજાવ્યું ઓરલ હેલ્થનું મહત્વ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦

 મોઢાની સ્વસ્થતા(ઓરલ હેલ્થ) શરીરના આરોગ્ય માટે આવશ્યક છે. એ સાથે ચહેરાની ખૂબસૂરતી માટે જરૂરી છે. એટલે જો નિરોગી રહેવું હોય તો મોઢાની સ્વસ્થતા અને સ્વચ્છતા અંગે કાળજી લેવાનું આજથી શરૂ કરી દ્યો. જેમાં પરિવારને પણ જોડો એમ જી.કે. જન. અદાણી હોસ્પિ.ના ડેન્ટિસ્ટે અદાણી સ્કિલ ડેવ.ના તાલીમાર્થીઓને વેબીનાર દ્વારા અપીલ કરી હતી. 

    ભુજ સહિત આદિપુર, મેઘપર, કેરાલા અને મહારાષ્ટ્રના દહાણું, વરસોયા, તિરોડા સ્થિત તાલીમાર્થીઓને વેબીનાર દ્વારા એક સાથે જોડી મોઢાના આરોગ્યમાં દાંતની ભૂમિકાને સમજાવતા કહ્યું કે,દાંતની સ્વસ્થતાની અસર આખા શરીરમાં થાય છે કેમ કે, મોઢું અને દાંત શરીરના આરોગ્ય અને પાચનતંત્રનું પ્રવેશદ્વાર છે. માટે જ કહેવાય છે કે, દાંત અને મોઢું સ્વસ્થ તો શરીર નિરોગી. 

    દાંતની બીમારી અંગે તેમણે કહ્યું કે, બેકાળજી અને અસ્વચ્છતાને કારણે દાંત બગડે છે. દાંતમાં ખાડા(cavities) પડે છે. જેમાં રોગ થાય છે. જેની અસર મગજ અને હ્રદય સુધી થાય છે. પેઢા સૂજી જાય છે. અને ચેપ થાય તો હાડકાં નબળા પડે છે. દાંત તૂટવા લાગે છે. દાંતમાં ઝણઝણાટી થવી વિગેરે દાંતની બીમારી છે તેમણે નિદાન બાબતે સમજાવતા જણાવ્યુ કે, આમ તો જોતાં જ ખ્યાલ આવી જાય પરંતુ, ઊંડાણપૂર્વક એમ.આર.આઈ., એક્સ-રેથી જાણી શકાય છે. 

    દાંતના રોગથી બચવા જમ્યા પછી દિવસમાં બે વખત બ્રશ કરવું, જમ્યા પછી કોગળા કરવા, ચા-કોફી વિગેરેનું મર્યાદિત સેવન કરવું. ધૂમ્રપાન દાત માટે વેરી છે માવા-ગુટકા પણ નુકસાન કરે છે. ખાંડવાળી અને ગરમ વસ્તુ ન ખાવી અને નિયમિત ડેંટિસ્ટની સલાહ લેવાથી દાંતના ઘણા રોગથી બચી શકાય છે. કાર્યક્રમના પ્રારંભમાં નર્સિંગ કોર્ષ ટ્રેનર અસ્મિતા જેઠીએ સ્વાગત કર્યું હતું. સક્ષમ ટીમે આયોજન કર્યું હતું.

(9:52 am IST)