Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

કચ્છના એસપી સૌરભ તોલંબિયાએ પગપાળા ચાલી લોકોના ઘર સુધી પહોંચી પ્રશ્નો સાંભળ્યાઃ દર ૩ માસે સમસ્યાઓ સાંભળશે

દલિત પરિવારોના દુઃખદર્દ સાંભળ્યાઃ અસામાજિક તત્વો ત્રાસ તો આપતા નથીને ? ખુશીનો માહોલ

રાજકોટ, તા. ૨૦ :. ગુજરાતના વિવિધ જિલ્લાઓ પૈકીના પાંચેક જેટલા જિલ્લાઓમાં દલિત પરિવારોના લગ્ન પ્રસંગે વરઘોડા ન કાઢવા માટે જે રીતે ચોક્કસ જ્ઞાતિઓ દ્વારા પ્રયાસો થયા અને જે રીતે વાતાવરણ કલુષિત બની રહ્યુ છે તે માટે જાગૃત રહેવા કેટલાક ચોક્કસ અધિકારીઓ દ્વારા આ પ્રકારના વૈમનસ્ય દૂર કરવા માટે પ્રયાસો ગંભીર રીતે ચાલી રહ્યા છે. આવા પ્રયાસોના ભાગરૂપે કચ્છ (પશ્ચિમ) જિલ્લાના પોલીસ વડા સૌરભ તોલંબીયાએ મુંદ્રા સ્થિત અનુસૂચિત જાતિની બહોળી વસ્તીવાળા વિસ્તારોની મુલાકાતો લઈ આ વિસ્તારમાં વસતા પરિવારના લોકોના દુઃખદર્દ સાંભળી તેમને હિંમત પુરી પાડી હતી.

એસ.પી. સૌરભ તોલંબિયાએ કારમાં બેસી રહી લોકોને જે તે સ્થળે બોલાવવાના બદલે સ્થાનિક લોકોના ઘર સુધી પગપાળા ગયા હતા. તેઓએ લોકોને જણાવ્યુ હતુ કે કોઈ અસામાજિક તત્વો કે લુખ્ખાઓ તમને કોઈપણ પ્રકારે હેરાન કરતા હોય તો પોતાને જાણ કરવાથી તાકીદે પગલા લેવામાં આવશે. લોકોએ પણ પોલીસ અધિક્ષકના આવા પ્રયાસોની સરાહના કરી દર ૩ માસે એસપીની અધ્યક્ષતામાં એસસી-એસટીના પ્રશ્નો સાંભળવાની પ્રથા ફરીથી શરૂ કરવાના સૂચનને એસપીએ સહમતી આપી હતી. ઉકત પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ, મુંદ્રા પોલીસ ઈન્સ્પેકટર એમ.એન. ચૌહાણ, હેડ કોન્સ. પુષ્પરાજસિંહ, નરેન્દ્રસિંહ, મુકેશભાઈ તથા પોલીસમેન જયપાલસિંહ વગેરે હાજર રહ્યા હતા.

(4:05 pm IST)