Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

માળીયામિંયાણા મામલતદાર કચેરીમાં અપુરતા સ્ટાફ અને સુવિધાના અભાવથી અરજદારો ત્રાહીમામ

સ્ટાફની મનમાની કામગીરીથી ગ્રામજનોને ધરમધકકા

માળીયા મિંયાણા, તા.૨૦: માળીયામિંયાણા તાલુકો પછાત અને અશિક્ષિત છે ત્યારે મોરબી ઔદ્યોગિક રીતે સતત વિકસતા જિલ્લાનુ વડુમથક બન્યુ છે પણ માળીયા શહેર વિકાસના નામે ઝઝુમી રહ્યુ છે માળીયા તાલુકા મામલતદાર કચેરીમાં ખાટલે મોટી ખોટ વર્તાઈ રહી છે જેમા તાલુકાના ૫૨ ગામના અરજદારો નાનામોટા કામો માટે પોતાની મજુરી અને ખેતીકામ મુકી કચેરીમાં આવે છે ત્યારે મામલતદાર કચેરીમાં અપુરતો સ્ટાફ અને સરકારી બાબુઓની મનમાનીના કારણે અરજદારોને ગામડેથી કચેરીના જરૂરી કામ માટે લાંબા થવુ પડે છે જયા કચેરીમાં સ્ટાફ કર્મચારીઓ મનફાવે ત્યારે હાજર રહેતા હોવાની અને અસંતોષકારક જવાબ આપતા હોવાની અનેક લોક ફરીયાદો ઉઠવા પામી છે તેમજ શરમજનક બાબત તો એ છેકે મામલતદાર કચેરી બકરાનો તબેલો હોય તેમ કચેરીના પટાંગણમાં બકરા અડીંગો જમાવી નજરે પડતા અરજદારોને આશ્ચર્ય થાય છે અને રમૂજ પેદા થાય તેવો ઘાટ જોવા મળે છે આમ તંત્રની નબળાઈના કારણે ગરીબ અને પછાત પ્રજાને વારંવાર ધરમના ધકકા ખાવા પડે છે તેમજ તાલુકાની મામલતદાર કચેરીમાં વર્ષોથી અરજદારો માટે પીવાના પાણી અને સંડાશ બાથરુમની વ્યવસ્થા ન હોવાથી મહિલા અરજદારોને ભારે મુશકેલીનો સામનો કરવો પડે છે આમ અનેક સમસ્યાથી ધેરાયેલી મામલતદાર કચેરી ધણીધોરી વગરની રામભરોસે હોવાની ફરિયાદ ઉઠવા પામી છે છતા સરકારી તંત્ર ભરનિંદ્રામાં હોવાથી અરજદારો અને ગ્રામજનોમા રોષ ફેલાયો છે માળીયા શહેરમાં તો પાયાની સુવિધાઓના ઠેકાણા નથી પણ મામલતદાર કચેરી જેવી સરકારી કચેરીઓ પણ ભુતબંગલા જેવી ખંડેર હાલતમાં ભાંખી રહી છે તો શહેરમાં અને કચેરીઓમાં સમસ્યા ફાટીને ધુમાડે ગઈ છે તંત્રની દ્યોર અવગણનાને કારણે માળીયા શહેર સમસ્યાઓનુ દ્યર બની ગયુ છે મોરબી જિલ્લો બની ગયો એને ચારથી પાંચ વર્ષ થવા આવ્યા પણ માળીયા તાલુકાની સરકારી કચેરીમાં પ્રાથમિક સુવિધાના હજુ ઠેકણા નથી અને મામલતદાર કચેરીમાં પીવાના પાણી સંડાસ બાથરૂમની વ્યવસ્થા ન હોવાથી અરજદારોને વલખા મારવા પડે છે આમ માળીયાની જનતાને અને ગામડેથી આવતા અરજદારોને વર્ષોથી અન્યાય થતો આવે છ ત્યારે નાછુટકે કહેવુ પડે છે માળીયા મામલતદાર કચેરીએ ખાટલે મોટી ખોટ છે ત્યારે કચેરી સુવિધાજનક અને સંતોષકારક બને તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.

(12:03 pm IST)