Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

જસદણ-વિંછીયા પંથકમાં ગેરકાયદે પાણી ચોરી કરતા શખ્સોને છાવરવામાં આવે છેઃ કડક પગલા ભરવા યાર્ડના પૂર્વ ચેરમેનની માંગણી

તસ્વીરમા પાણીની હાલાકી  ભોગવતી મહીલાઓ તસ્વીરમાં નજરે પડે  છે. (તસ્વીરઃ હુસામુદીન કપાસી-જસદણ)(૧.૫)

 આટકોટ તા.૨૦: જસદણ શહેર તાલુકો તેમજ વિંછીયા તાલુકાના અનેક ગામોમાં હાલ પાણીની માનવ-સર્જિત તંગી હોય જે તે ગ્રામ પંચાયત કે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ અને વિતરણ કરતી એજન્સીઓ દ્વારા ગેરકાયદેસર પાણી ચોરી કરતા શખ્શોને છાવરતા હોય આવા આસામી સામે કડક પગલા ભરવા જસદણ માકેટયાર્ડના પૂર્વ ચેરમેન પોપટભાઇ રાજપરાએ માંગણી કરી છે.

રાજયના પાણી પુરવઠા  મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના મત વિસ્તાર જસદણ-વિંછીયા તાલુકામાં મંત્રીના પ્રયાસોથી બંને તાલુકાને પુરતો પાણીનો જથ્થો પાઇપ લાઇન દ્વારા મળી રહ્યો છે ત્યારે પ્રજાને પુરતુ પાણી ન મળતુ હોવાની વ્યાપક ફરીયાદ બાદ જાણવા મળ્યુ હતુ કે હાલ પાણીની મુખ્ય લાઇનોમાંથઈ વિતરણ કરતી એજન્સીઓ અને અધિકારીઓની મીલીભગતથી મોટા માથાઓ દ્વારા રોજ લાખો લીટર પાણીની ચોરી થઇ હતી હોય સામાન્ય પ્રજાને પુરતુ પાણી મળી નથી રહ્યુ.

તાજેતરમાં કેબીનેટ મંત્રીએ પાણી પ્રશ્ન હલ કરવા તાકિદની મીટીંગ બોલાવી પાણી ચોરી કરતા શખ્સોને ચેતી જવા ચીમકી પણ આપી હતી છતા પાણી ચોરી કરતા શખ્સોને જાણે કોઇનો ડર જ ના હોય તેમ હજુ પણ પાણી ચોરી કરતા શખ્સો કે સંસ્થાઓ સામે અધિકારીઓ દ્વારા કોઇજ પગલા ન લેવાતા માકેટયાર્ડના પુર્વ ચેરમેન પોપટભાઇ રાજપરાએ આવા આસામીઓ સામે પગલા લેવાની માંગણી કરતા ભારે ચર્ચા જાગી છે.

પોપટભાઇ રાજપરાએ જણાવ્યુ છે કે હાલ જસદણ-વિંછીયા તાલુકામાં પાણીની વિકટ પરિસ્થિતિ હોય ત્યારે સ્થાનિક પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ મોટા માથાના ગેરકાયદેસર કનેકશનો કેમ કાપતા નથી?

તેમણે વધુમાં જણાવ્યુ છે કે આટકોટ ભાવનગર રોડ ઉપર આવેલ અમુક ઉદ્યોગો અને શાળાઓએ ગેરકાયદેસર કનેકશનો લઇ લીધા છે જે ઘણા વખતથી ચાલી રહ્યા હોવા છતાં પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓના પેટનું પાણી હલતુ નથી તેમણે આક્ષેપ કર્યો છે કે આવા શખ્સો અધિકારીઓના મામા-માસીના થતા હોય તેમની સામે કેમ પગલા નથી ભરાતા?

તેમણે અંતમાં જણાવ્યુ છે કે આવા મોટા માથાઓના ચાલતા ગેરકાયદેસરના કનેકશનો જો તાત્કાલીક કાપવામાં નહી આવેતો આગામી દિવસોમાં  ગાંધી ચિન્ધયા રાહે આંદોલન કરવાની ફરજ પડશે.

(11:57 am IST)