Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

જુનાગઢમાં હાર્દિક વિઠ્ઠલાણીની હત્યા કરનારા સાંજ સુધીમાં ઝડપાઈ જશેઃ મૃતદેહ સ્વીકાર્યો

લોન રીકવરી મુદ્દે લોહાણા યુવકની હત્યા બાદ હત્યા કરનારાને ઝડપી લેવા પોલીસની દોડધામઃ આરોપીઓ ૧૦ જેટલા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ

 જુનાગઢ તા.૨૦ :. લોન રીકવરી મામલે થયેલી હત્યામાં જૂનાગઢમાં હાર્દિક વિઠ્ઠલાણી નામના યુવાનનો મૃતદેહ આજેપણ તેના પરિવારજનોએ સ્વીકાર્યો ન હતો, પરંતુ બપોરે લોહાણા સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘને આવેદન આપવામાં આવ્યા બાદ તેઓએ હત્યા કરનારા શખ્સોને સાંજ સુધીમાં ઝડપી લેવાની ખાત્રી આપતા બપોરે ૧.૧૫ વાગ્યા આસપાસ પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારી લેવામાં આવ્યો છે.

જૂનાગઢમાં જલારામ સોસાયટી પાછળ આવેલી દુર્વેશનગરમાં ભાડાના મકાનમાં રહેતા અને એચડીબી ફાયનાન્સમાં નોકરી કરતા લોહાણા ચિરાગ અશોકભાઇ વિઠ્ઠલાણી તથા તેના ભાઇ હાર્દિક ઉપર જલારામ સોસાયટી પાસેના તિરૂપતી એપાર્ટમેન્ટમાં રહેતા રવિ સંજયભાઇ લહેરી અને તેના પિતા ઉપરાંત રવિનો ભાઇ તેમજ સંબંધી ધાર્મિક અને હારૂન ઉપરાંત બે અજાણ્યા શખ્સોએ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડમાં શનીવારની રાત્રે હુમલો કર્યો હતો.

છરી,પાઇપ,ધોકા અને ધારિયા વડે કરાયેલા વુમલામાં હાર્દિકભાઇ વિઠ્ઠલાણીનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું જયારે ચિરાગને ઇજા થતા  રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ.

સંજય લહેરીએ એચડીબી ફાયનાન્સમાંથી રૂ.બે લાખની પર્સનલ લોન લીધેલ જેના ત્રણ હપ્તા ચડી જતા ચિરાગ વિઠ્ઠલાણી લોન રિકવર કરવા ગયેલ.

આ બાબતનું મનદુઃખ રાખી રવિ સંજય લહેરી સહિત ૭ જણાએ હુમલો કરી હાર્દિકભાઇની હત્યા કરી નાંખી હતી અને ચિરાગભાઇની હત્યાની કોશિષ કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

હત્યાના બનાવના પગલે એસપી સૌરભસિંઘ સહિતના પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

બી ડીવીઝન પોલીસે ચિરાગ વિઠ્ઠલાણીની ફરિયાદ લઇ કલમ ૩૦૨,૩૨૬,૧૨૦ (બી) વગેરે મુજબ હત્યાઓ સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી જેની તપાસ પીઆઇ આર.બી.સોલંકીનો સોપવામાં આવેલ.

જો કે, એસપી સૌરભસિંઘે હત્યારાઓની ત્વરિત ધરપકડ થઇ શકે તે માટે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી વગેરેની ટીમો બનાવી તપાસ સઘન બનાવી હતી.

પરંતુ ગઇકાલે મૃતકના પરિવારજનોએ આઇજીને પત્ર પાઠવી હાર્દિકના હત્યારાઓ જયાં સુધી નહિ પકડાય ત્યા સુધી પુત્રની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદીની સુચનાથી એસપી સોરભસિંઘે બનાવની તપાસ વધુ ગતિશીલ કરી છે અને મૃતકના પરિવારજનો પોલીસ રક્ષણ  આપેલ છે.

દરમ્યાન એસપી સૌરભસિંઘે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે હાર્દિક વિઠ્ઠલાણીના હત્યારાઓ પોલીસને હાથવેંતમાં છે અને આજે સાંજ સુધીમાં પોલીસને સફળતા મળવાની શકયતા છે.

પોલીસ અધિક્ષક સૌરભસિંઘે વધુમાં જણાવેલ કે, ફરિયાદમાં સાત આરોપી જણાવ્યા છે પરંતુ આરોપીઓ ૧૦ જેટલા હોય શકે જે તમામને ઝડપી લેવા પોલીસ તપાસ ચાલી રહી છે.

(4:25 pm IST)
  • ક્રુડ ઓઈલનો ખજાનો શોધવા નીકળેલ પાકિસ્તાનને ફટકો :700 કરોડ ખર્ચા બાદ મળ્યો ‘ઠેંગો’: પાકિસ્તાનને હેવ અરબ સાગરમાંથી ક્રુડ ઓઇલ ના મળવાથી વધુ એક ફટકો પડ્યો: કરાચી કોસ્ટ પાસે અરબ સાગરમાં ગેસ ભંડાર મળવાની ધારણાએ મોટા પાયે ખોદકામ કર્યું :કુવા ખોદ્યા તેમાંથી કોઇ ખનિજ ઈધણ હાંસલ થયું નથી. access_time 12:42 am IST

  • લોકસભા ચૂંટણી પરિણામ પહેલા બસપા સુપ્રીમો માયાવતી લખનઉથી દિલ્હી દોડ્યા: યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે: ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના વિરોધમાં આક્રમક ભાષાનો ઉપયોગ કરનારી માયાવતીનું આ પગલું ચોંકાવનારું : ભાજપ પ્રણિત એનડીએને બહુમતી ન મળે તો કેન્દ્રમાં નોન-ભાજપ ગઠબંધન સરકાર બનાવવા માટે મનોમંથન થવાની શકયતા access_time 1:37 am IST

  • કાલથી અમુલનું દૂધ લીટરે રૂ. બે મોંઘુ : અમદાવાદઃ આવતીકાલથી અમલમાં બને તે રીતે અમુલ દ્વારા તેની તમામ પ્રોડકટના દુધના ભાવમાં લીટરે ૨ રૂપિયાનો ભાવ વધારો કરવા જાહેરાત થઇ છેઃ આવતીકાલથી ચાની ચુસ્કી અને દુધની બનાવટો મોંઘીદાટ થઇ જશે access_time 5:00 pm IST