Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

ભાવનગરમાં અકસ્માત બાદ ફરાર થયેલ ડ્રાઇવર ઝડપાયો

ફરાર થયેલા ડ્રાઈવરને રાજુલામાંથી પકડી લેવાયો : ઝડપાયેલા ડ્રાઈવરની કડક પુછપરછ શરૂ કરવામાં આવી ભાવનગર અકસ્માતમાં ૨૦ લોકોના મોત થઈ ગયા હતા

અમદાવાદ,તા. ૨૦ : ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા ડ્રાઈવરની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. આ ડ્રાઈવરને રાજુલામાંથી પકડી લેવામાં આવ્યો છે. પકડી લેવામાં આવેલા ડ્રાઈવરની ઉંડી પુછપરછ હાથ ધરી લેવામાં આવી છે. બીજી બાજુ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોને ચાર-ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાયની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં ભાવનગર-અમદાવાદ હાઇવે પર ગઈકાલે વહેલી સવારે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા હતા અને સાત લોકો ઘાયલ થયા હતા. વહેલી સવારે કાળમુખા વધુ એક ટ્રકે મોતનુ તાંડવ સર્જયુ હતુ. જેમાં ૧૯ શ્રમજીવી લોકોના મોત થયા હતા. ગઈકાલે અમદાવાદ-વડોદરા તરફ જતી એક સિમેન્ટ ભરેલી ટ્રક એકાએક પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે ભારે અફડાતફડી મચી ગઇ હતી. ટ્રક્ પલટી ખાઇ જતા તળાજાના સરતાનપર ગામના શ્રમજીવી લોકો દટાઇ ગયા હતા.બનાવની જાણ થયા બાદ તરફ જ પોલીસ અધિકારીઓ તેમના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાથે સાથે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત એટલે ગંભીર હતો કે ૧૮ લોકોના મોત ઘટનાસ્થળે જ થઇ ગયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિનુ મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયુ હતુ. અકસ્માતમાં ઘાયલ થયેલા સાત લોકોને સારવાર માટે ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલ પૈકી તમામની હાલત હવે સ્થિર બનેલી છે. સરતાનપર ગામની મજુરોની ટુકડી આમાં શિકાર થઇ ગઈ હતીય. પોલીસ અને ૧૦૮ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. સિમેન્ટની બોરીઓ ટ્રક પલટી ખાઇ જતા હાઇવે પર વિખેરાઇ ગઇ હતી. જેથી અન્ય વાહનોની લાઇન પણ લાગી ગઇ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં ૧૨ મહિલા છે.

(9:36 pm IST)