Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

મોરબીને રેમડેસિવિરનો પ્રતિદિન 2 હજારનો જથ્થો ફાળવવા ધારાસભ્ય મેરજાની ડે સી.એમ.ને રજૂઆત

મોરબી : મોરબી-માળીયા (મી.) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીની સાંપ્રત કોરોના સ્થિતિ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય ખાતું સંભાળતા નિતિનભાઈ પટેલ સાથે વાત કરીને મોરબીના કોરોના દર્દીઓની જરૂરિયાત સંતોષવા માટે પ્રતિદિન 2000 રેમડેસિવિર ઈંજેકશનો ફાળવવા માંગણી કરી છે. સાથોસાથ તેમને જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પેલ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, અગ્ર સચિવ, આરોગ્ય વિભાગ, આરોગ્ય કમિશ્નર, પ્રભારી સચિવ મનીષા ચાંદ્રા, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત કોર ગ્રુપ સમક્ષ જુદી-જુદી માંગણીઓ જેવી કે,
1. મોરબીમાં સિવિલ હોસ્પીટલ ઉપરાંત કોવિડની માન્યતા આપેલી અન્ય હોસ્પિટલોમાં પણ દર્દીઓનો વ્યાપક ધસારો રહે છે. હાલની બેડની સુવિધા અપૂરતી છે. તેમાં વધારો કરવો ખૂબ જરૂરી છે. જેથી, મોરબીના દર્દીઓને રાજકોટ, જામનગર કે અન્યત્ર જવું ન પડે.
2. મોરબીમાં દાતાઓ ઉદાર હાથે સખાવત કરીને વહીવટી તંત્રના સહયોગમાં રેપિડ ટેસ્ટ કીટ, વેક્સિનના કેમ્પો, ઓકિસજન અને વેન્ટીલેટરની સુવિધાઓ વધારી રહ્યા છે. પણ આ સુવિધા માટે પર્યાપ્ત મેડિકલ સ્ટાફ અપૂરતો હોય, વેન્ટીલેટરની સુવિધાનો દર્દીઓને પૂરતો લાભ મળતો નથી. જેથી, વેન્ટીલેટર નિષ્ણાંત ડોકટરોનો સ્ટાફ વધારવો જરૂરી છે.
3. મોરબીમાં જુદા-જુદા સમાજની તેમજ અનેક N.G.0. અને ઉધ્યોગકારોએ કોરોના કેર સેન્ટરની સુવિધા મોટા પ્રમાણમાં વિકસાવી છે. જેમાં અમુક જગ્યાએ ઓક્સિજન સુવિધાવાળી બેડ પણ ઊભી કરાયેલ છે. જેમાં એમ.ડી. કક્ષાના તજજ્ઞ ડોકટરોની સેવાઓ પણ મેળવાઈ રહી છે. આવા કોરોના કેર સેન્ટર ધરાવતા સંચાલકોની માંગણી છે કે તેમને એમ.ડી, તજજ્ઞના પ્રિક્રિશન ઉપર રેમડેસિવિર ઇંજેકશનનો જથ્થો સેન્ટર ઉપર જ વહીવટી તંત્ર દ્વારા મળે તો વધુ સારું કામ થઈ શકે. અંદાજે આવા કોરોના કેર સેન્ટર માટે 500 જેટલા રેમડેસિવિર ઇંજેકશનની માંગણી આવતી હોય છે, જે સંતોષવી ખૂબ જરૂરી છે.
4. મોરબીમાં ખાનગી હોસ્પિટલોને કોરોના હોસ્પિટલ તરીકે માન્ય ગણેલ છે તેવા ઈન્ડોર દર્દીઓ માટે ૫૦૦ જેટલા ઈંજેકશનોની માંગ રહે છે. તે પણ સમયસર સંતોષવી જરૂરી બનતી હોય છે.
5. મોરબીમાં હોમ કોરન્ટાઈન થયેલા દર્દીઓને એમ.ડી. તજજ્ઞ ડોક્ટરોના પ્રિક્રિપ્શન મુજબ ઇંજેકશનો મળે તેવી અંદાજે ૫૦૦ જેટલી જરૂરિયાત રહેતી હોય છે. તો આવા દર્દીઓ માટે અલગ જથ્થો રાખવો જરૂરી છે.
6. મોરબી સિવિલ હોસ્પીટલમાં દાખલ દર્દીઓ માટે અંદાજે ૫૦૦ જેટલા રમડેસિવિર ઈંજેકશનો તેમજ વેન્ટિલેટર અને ઓકિસજન બેડ માટે તજજ્ઞ ડોકટરો અને સ્ટાફ તેમજ બાયોમેડિકલ ઇજનેરની સુવિધા આપવી જરૂરી છે.
7. મનોવૈજ્ઞાનિક રીતે દર્દીઓના સગાઓ તરફથી તેવા સૂચનો મળે છે કે ઇન્ડોર દાખલ થયેલ દર્દીને કોરોના કરતાં તેની એકલતાનો હાવ કે ભય વધુ ડરાવતો હોય છે. તેથી, સમયાંતરે આવા ઈન્ડોર દર્દીઓ સાથે તેમના સ્વજનો વિડીયો કોલથી સંપર્કમાં રહી શકે તેવી સુવિધા અપાય તો આવા ડરને નિવારી શકાય.
8. રેમડેસિવિર ઈંજેકશનનો જથ્થો આગલા દિવસે જ મોરબી વહીવટી તંત્રને મળી રહે અને તેના વિતરણ થાય તો ગેરવ્યવસ્થા થતી રોકી શકાય.
9. મોરબીમાં ખાનગી કે સરકારી હોસ્પિટલોમાં કામ કરતાં હેલ્થ વર્કર અને ડોક્ટરો માટે ૧૦% બેડ રિજર્વ રાખવી જોઇએ. ખાનગી હોસ્પિટલના આવા મેડિકલ સ્ટાફની આ રજૂઆત બાબતે પણ હકારાત્મક અભિગમ દાખવવો જોઈએ.
10. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવેલ રેમડેસિવિર ઇંજેકશનના ઉપલબ્ધ જથ્થાની અને વિતરણની અપડેટ માહિતી લોકભોગ્ય બનાવવી જોઈએ. જેથી, લોકોમાં ધરપત રહે.
આ બધી બાબતો અંગે તાકીદે ધટતા નિર્ણયો લેવા ભારપૂર્વક જણાવ્યુ છે

(10:40 pm IST)
  • 1 મે થી COVID-19 રસી 18 વર્ષની ઉપરના તમામ લોકો લઈ શકશે : રસી ઉત્પાદકો પૂર્વ ઘોષિત ભાવે ખુલ્લા બજારમાં પણ વેચી શકશે : PIBની વેબસાઇટ પર એક અખબારી યાદી મુજબ, રસી ઉત્પાદકોને તેમની રસી ઉત્પાદન ક્ષમતાનો 50% જથ્થો, રાજ્ય સરકારોને અને ખુલ્લા બજારમાં પૂર્વ ઘોષિત ભાવે મુક્ત રીતે વહેંચવાની સત્તા આપવામાં આવશે. access_time 9:57 pm IST

  • તેલંગણાના મુખ્યમંત્રીને કોરોના વળગ્યો : તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને કોરોના પોઝિટિવ આવતા હાલમાં આઇસોલેશનમાં ડૉક્ટરોની નજર હેઠળ, પોતાના ફાર્મહાઉસમાં સારવાર લઈ રહ્યા છે. access_time 9:57 pm IST

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતને દરરોજ ૪૦૦ ટન ઓક્સિજન પૂરો પાડશે : જામનગરની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતને રોજ ૪૦૦ ટન ઓક્સિજન પૂરો પાડશે તેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શ્રી ધનરાજ પરિમલભાઈ નથવાણીઍ તેમના ટ્વીટર હેન્ડલ ઉપર ટ્વીટ કરીને જણાવ્યુ છે : કોરોના મહામારીમાં આ મોટા આર્શીવાદરૂપ સમાચાર છે access_time 2:50 pm IST