Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

જામનગરમાં કોરોના વિસ્ફોટ : જી.જી.હોસ્પિટલ હાઉસફુલ : તંત્ર ઉંધા માથે

હોસ્પિટલમાં દર્દીઓની ૧૨૩૨ દર્દીઓ સારવાર લઇ રહ્રયા છે જ્યારે તેની સામે હોસ્પિટલમાં ૨ હજાર દર્દીઓ આવી ગયા : રાજકોટ -મોરબી સહિતના સ્થળોએથી દર્દીઓને ન આવવા કલેકટર રવિશંકરની અપીલ : ૬૦ એમ્બ્યુલન્સો લાઇનમાં

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૦: જામનગરમાં કોરોના વિસ્ફોટ થતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. દરરોજ મૃતકોની સંખ્યા અને કોરોના પોઝીટીવ કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

જામનગર જીલ્લા કલેકટર શ્રી રવિશંકર ટવીટ કરીને જામનગરની પરિસ્થિતીને ચિતાર રજુ કર્યો હતો અને બેડની ક્ષમતા કરતા દર્દીઓ આવી ગયા હોવાનું જણાવ્યું છે.

ટ્વીટમાં કલેકટરશ્રી રવિશંકરે જણાવ્યું છે કે, જામનગર જી.જી. હોસ્પિટલમાં હાલમાં ૧૨૩૨ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે અને ૨ હજાર દર્દીઓ જી.જી.હોસ્પિટલમાં  આવી ગયા છે. જેથી પરિસ્થિતી ગંભીર થઇ ગઇ છે. અને ૬૦ એમ્બ્યુલન્સ લાઇનમાં છે.

કલેકટર શ્રી રવિશંકરે વધુમાં જણાવ્યું હતુ કે રાજકોટ,મોરબી સહિત સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓ પોતાના વિસ્તારમાં જ સારવાર લે જેથી જામનગરમા દર્દીઓનો ભરાવો ન થાય.

હાલમાં કોરોના સ્થિતી વધુ ન વણસે તે માટે લોકોને સહયોગ આપવા કલેકટરશ્રી રવિશંકરે અપીલ કરી છે.

(12:58 pm IST)