Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

દર વર્ષની જેમ આ વર્ષે પણ માવઠાથી કેરીના પાકને નુકશાન

ભેંસાણ, ધોરાજી, જામકંડોરણા પંથકમાં કમોસમી વરસાદથી ચિંતાઃ સવારે પવનના સુસવાટા સાથે બફારો

પ્રથમ તસ્‍વીરમાં જામકંડોરણા અને બીજી તસ્‍વીરમાં ધોરાજીમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીરઃ મનસુખ બાલધા (જામકંડોરણા) ધર્મેન્‍દ્ર બાબરીયા (ધોરાજી)

રાજકોટ, તા., ૨૦: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આ વર્ષે પણ માવઠાથી કેરીના પાકને નુકશાન થયું છે. દર વર્ષે કેરીની સીઝન પહેલા કમોસમી વરસાદ  વરસી જાય છે ત્‍યારે ગઇકાલે ભેંસાણ, જામકંડોરણા, ધોરાજી પંથકમાં માવઠુ વરસતા ચિંતા વ્‍યાપી ગઇ છે.

જો કે સવારથી પવનના સુસવાટા સાથે અસહ્ય બફારાનો અનુભવ થઇ રહયો છે.

ગઇકાલે સાંજે પાંચ કલાકની આસપાસ માહોલ બદલ્‍યો હતો અને ભેંસાણ અને આસપાસના વિસ્‍તારોમાં ભારે પવન સાથે વરસાદ તુટી પડયો હતો. દુકાનોના છાપરા ઉડી ગયા હતા. અનેક વૃક્ષોનો સોથ વળી ગયો હતો. કમોસમી વરસાદના લીધે ઉનાળુ પાક અને કેરીના પાકને નુકશાન થયું છે અને ખેડુતોમાં ફરી ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે. બીજી તરફ ધોરાજી, જામકંડોરણા અને જેતપુર પંથકમાં પણ હળવા ભારે ઝાપટા વરસી પડયા હતા. જેતલસરમાં તો કરા સાથે જોરદાર પવન પણ ફુંકાયો હતો. લોકો કરાને હાથમાં ઝીલવા કુતુહલવશ બહાર દોડી ગયા હતા.

જામકંડોરણા

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણાઃ જામકંડોરણામાં સખત ગરમી અને ઉકળાટ બાદ સાંજના ૪ કલાકે વાતાવરણમાં પલ્‍ટો આવતા પવન સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો જે વીશેક મીનીટ સુધી આ પવન સાથેના વરસાદથી રસ્‍તાઓ ઉપર પાણી વહેતા થઇ ગયા હતા.

(11:51 am IST)