News of Saturday, 20th April 2019
રાજકોટ, તા. ૨૦ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી બેટ દ્વારકા સુધી દરીયામાં તરીને હનુમાન દાંડી હનુમાન મંદિરે દર્શને જતા રાજુભા લાખાભા સુમણિયાની સાહસિક ધર્મભાવના અનેરી છે.
હનુમાન ભકત રાજુભા સુમણિયાએ અકિલાને જણાવ્યુ હતુ કે, છેલ્લા ૩ વર્ષથી હું દર વર્ષે હનુમાન જયંતિના દિવસે ઓખાથી બેટ દ્વારકા સુધી દરિયામાં તરીને દર્શન કરવા જાવ છું. ઓખાથી બેટ દ્વારકા સુધીનું અંતર આમ તો સાડા ચાર કિ.મી. થાય છે પરંતુ દરિયામાં આવતા મોજાના કારણે ભારે તકલીફ પડે છે. મોજાની થપાટને કારણે ફરીવાર દરીયામાં મંજીલ તરફ જવા માટે મહેનત કરવી પડે છે જેથી ૭ કિ.મી. જેવુ અંતર થઈ જાય છે.
રાજુભા સુમણિયાએ વધુમાં જણાવ્યુ કે, હનુમાનજી પ્રત્યેની ધાર્મિક આસ્થાના કારણે મને આવો વિચાર આવ્યો અને તેનો અમલ શરૂ કર્યો છે. પરિવારમાં પત્નિ, બે પુત્રી અને એક પુત્ર તથા કસ્ટમમાં ફરજ બજાવતા પિતા લાખાભાઈ સુમણિયા છે. રાજુભા સુમણિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુરમા આવેલ ડિવાઈન્સ કંપનીમાં સ્કુબા ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે જેને કારણે તેને દરીયાઈ જીવસૃષ્ટિ અંગે પુરતી માહિતી છે. આ ઉપરાંત તે મત્સ્ય ઉદ્યોગમાં હેલ્પર તરીકે પણ ફરજ બજાવે છે. તેઓને સર્પ પકડવાનો પણ શોખ છે તેમ બુધાભા ભાટી અને વિશાલ પીઠીયાએ જણાવ્યુ છે.
ગઈકાલે હનુમાન જયંતિના દિવસે દાંડી હનુમાનજી મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને જ્યાં ભકતો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.
હનુમાન ભકત રાજુભા સુમણિયા મો. ૯૩૭૪૪ ૧૮૦૧૮ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.