Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

કચ્છી માડુઓને વધુમાં વધુ મતદાન કરવા જીલ્લા કલેકટરની અપીલ

ભુજમાં સ્વીપ સુરધારા સંગીત સંધ્યાના સહયોગી-વિદ્યાર્થી શિક્ષકોનું કરાયુ સન્માન

ભુજ, તા.૨૦: મત આપવો એ આપણો હકક અને પવિત્ર ફરજ છે. નાગરિકો પરિપકતાથી મત આપે અને કચ્છ જિલ્લામાં વધુમાં વધુ મતદાન કરી બતાવીએ, તેમ ભુજમાં ઐતિહાસિક હમીરસર કિનારે સૂરધારા-સંગીત સંધ્યાનાં કાર્યક્રમ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને અનુરોધ કર્યો હતો.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, કચ્છ દ્વારા આયોજિત આગામી ૨૩મી એપ્રિલે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ માટે કચ્છમાં ૧૦૦ ટકા મતદાન થાય તે માટે મતદાન જાગૃતિના નારાને જન-જન સુધી પહોંચાડવા ભુજની વિવિધ શાળાના શિક્ષકો, વિદ્યાર્થિનીઓ અને સંસ્થાના યુવાઓ દ્વારા પ્રસ્તુત કરાયેલ મતદાન જાગૃતિના ગીતોએ ભુજના લોકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.

જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ચૂંટણીતંત્ર, સ્વીપ ટીમ સહિત નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિના જિલ્લામાં વિવિધ સ્થળોએ યોજાઇ રહેલા કાર્યક્રમોને ઠેર-ઠેર બહોળા પ્રમાણમાં જનપ્રતિસાદ પણ મળી રહ્યો છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને સંગીત સંધ્યાના કાર્યક્રમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને સુંદર કાર્યક્રમ પ્રસ્તુત કરવા બદલ આભારની લાગણી વ્યકત કરી અભિનંદન પાઠવ્યાં હતા અને વિશેષ યોગદાન આપનાર કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યાલય, સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય, આર.ડી.કુમાર વિદ્યાલય, માતૃછાયા કન્યા વિદ્યાલય, ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ, ગણેશ નાટય ગ્રુપ, ભુજને કલેકટરશ્રીના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરાયાં હતા.

કાર્યક્રમના પ્રારંભે સ્વીપના નોડલ અધિકારી ડો. બી.એન.પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોષી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એમ.બી.પ્રજાપતિ, ડો. કે.જી.બ્રહ્મક્ષત્રિય, શ્રી ફાલ્ગુન મોઢ, સિવિલ ડિફેન્સના શ્રી ઠાકર, શ્રી પ્રતાપભાઈ રૂપારેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંજય પરમાર, ભુજ મામલતદાર શ્રી સુશીલ પરમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મયોગીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ભુજના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન બી.એમ.વાદ્યેલા, વી.એમ.તેરૈયા, સ્નેહાબેન રાવલ, કિશોર સોની, દીપિકા પંડયાએ સંભાળ્યું હતું.

(10:01 am IST)