Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ઉના તાલુકાના વાજડી ગામના નંદવાણા પરિવારના ૩ સુમો બાળકોના વજનમાં ૧પથી ૨૭ કિલોનો ઘટાડોઃ પરિવારમાં ખુશાલી

ગીર-સોમનાથઃ ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાજડી ગામના નંદવાણા પરિવારના ૩ સુમો બેબી વજનના કારણે ભારે ચર્ચામાં રહ્યા બાદ તેમના વજનમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકારે જવાબદારી લીધી હતી અને હવે આ બાળકોના વજનમાં ધીમે-ધીમે ઘટાડો થતા પરિવારમાં ખુશી છવાઇ ગઇ છે.

પોતાના વધતા વજનને કારણે ચર્ચામાં રહેતા ત્રણ બાળકોનું ખાનગી ડોકટરના ઓપરેશનના કારણે 15થી 27 કિલો વજન ઘટ્યું છે

વાજડી ગામમાં રહેતા રમેશભાઈના 4 બાળકો પૈકી ત્રણ બાળકો નોર્મલ બાળકો સુમો બેબી છે. પોતાના બાળકોનું વજન અનેક ગણું વધુ હોવાના કારણે આ પરિવારને તેઓનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ હતું.

બે વર્ષ પહેલા ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલે આ બાળકોની નોંધ લીધી હતી અને સરકાર બાળકોના મેડિકલનો ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી હતી. પરંતુ બાળકોના વજનમાં કાંઇ ફેર પડ્યો ન હતો.

બાળકોના પિતાના કેહવા મુજબ સૌથી મોટી દીકરી યોગિતા 8 વર્ષની છે જેનું વજન 76 કિલો હતું, જ્યારે અમિષા 6 વર્ષની છે જેનું વજન 82 કિલો હતું. તેમનો દીકરો હર્ષ 4 વર્ષનો છે જેનું વજન 25 કિલો હતું. અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના ડોકટર સુમો બાળકોના વજન ઉતારવા માટે આગળ આવ્યા અને હાલમાં જ અમદાવાદ ખાતે સુમો બાળકોનું ઓપરેશન હાથ ધરાયુ છે. જે પછી સુમો બાળકોના વજનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

હવે 8 વર્ષની યોગિતાનું વજન 76 કિલોથી ઘટી 49 કિલો, 6 વર્ષની અમિષાનું વજન 82 કિલોથી ઘટી 70 કિલો થયું છે. સુમો બાળકોના વજનમાં 30 ટકા જેટલાનો ઘટાડો થતા બાળકોની સુરત બદલાઈ ગઈ છે. બાળકોના વજનમાં ઘટાડો થતાં તેમને ચાલવામાં પણ તકલીફ થતી નથી.  ત્રીજા દીકરાનું વજન હાલ યોગ્ય છે અને જો ભવિષ્યમાં વધશે તો તેની સારવાર કરવામાં આવશે.

સુમો બાળકોના પિતા રમેશ ભાઈએ તેમના જમવા વિશે વાત કરતાં કહ્યું કે, બાળકોને હાલ ડાયટિંગ કરાવાય રહ્યું છે. ચણા અને બાફેલા મગ આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રવાહી વધારે પ્રમાણમાં આપવામાં આવી રહ્યું છે. ઓપરેશન કરનાર ડોકટરે કહ્યું છે કે બરાબર ડાઈટ થશે તો 6 મહિનામાં નોર્મલ બાળકોની જેમ આ બાળકો પણ થઇ જશે.

(6:37 pm IST)