Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ગોંડલમાં યુવરાજસિંહ પર ખુની હુમલો કરનાર ૪ની ધરપકડઃ રીમાન્ડ પર

રાજકોટ, તા., ર૦: ગોંડલમાં  હાઇવે હોટેલ પર નજીવી બાબતે ગરાસીયા યુવાન પર ખુની હુમલો કરનાર ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. ચારેયને કોર્ટે ત્રણ દિ'ના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના કોટડા સાંગાણી રોડ પર યુવરાજસિંહ અશોકસિંહ જાડેજા તેના માસીયાઇ ભાઇ વિરભદ્ર સિંહ ઝાલા નેશનલ હાઇવે પર આઇટીઆઇ પાસે આવેલ અઝીઝ હોટલમાં જમવા માટે ગયેલ હતા તે સમયે નજીકના ટેબલ ઉપર નરેન્દ્ર કીરીટભાઇ ડાભી રહે. પાંચીયાવદર અશ્વીન મોહનભાઇ ગોહેલ ખરેડા સિધ્ધરાજ કરશનભાઇ ગોહેલ રહે. વેજાગામ તેમજ મનોજ રવજીભાઇ ચાવડા રહે. રાજકોટ વચ્ચે ધીમે બોલવા બાબતે માથાકુટ સર્જાતા આ ઝઘડો મારામારીએ પહોંચતા યુવરાજસિંહ જાડેજાના માથામાં ધોકો લાગી જતા તેને ગંભીર હાલતમાં રાજકોટના ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા  હતા. ઘટના અંગે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે આઇપીસી કલમ ૩૦૭, ૩ર૩, પ૦૪, પ૦૬ ર મુજબ ગુનો દાખલ કરી સીટી પી.આઇ. રામાનુજ તથા રાઇટર હરૂભા સહીતના સ્ટાફે ઉકત ચારેય શખ્સોની ધરપકડ કરી હતી.

પકડાયેલ ઉકત ચારેય શખ્સોને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે ત્રણ દિવસના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. (૪.૪)

(12:55 pm IST)