Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

વિસાવદરના નાની મોણપરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા સમૂહલગ્ન : ૫૬ નવદંપતિ લગ્નગ્રંથીથી જોડાશે

એક લાખ જ્ઞાતિજનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા : દિકરીઓને ૭૦થી વધુ વસ્તુઓ કરીયાવરમાં અપાશે

જૂનાગઢ, તા. ૨૦ : સમસ્ત લેઉવા પટેલ સમાજના સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતા બનેલા સમૂહલગ્ન દાત્રાણા, ચિરોડા અને ભેંસાણ બાદ હવે વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામ ખાતે યોજાશે. આગામી તા.૨૯ એપ્રિલને રવિવારે યોજાનારા આ સમૂહલગ્નમાં ઉમટી પડનાર આશરે એકાદ લાખ જ્ઞાતિજનો ૫૬ દિકરીને માવતર બનીને સાસરે વળાવશે. આશરે ૫૦ વિઘા જમીનમાં થયેલા વિશાળ આયોજનમાં સમૂહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસીયાના માર્ગદર્શન હેઠળ ૧૫૦૦ ભાઈઓ અને ૧૫૦૦ બહેનો સ્વયંસેવકો ખભેખભા મિલાવી વ્યવસ્થા જાળવશે.

જૂનાગઢ જિલ્લાના વિસાવદરના નાની મોણપરી ગામ ખાતે આગામી તા.૨૯ને રવિવારે સાંજે સમસ્ત લેઉવા પટેલ સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમૂહલગ્નની તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. સમૂહલગ્નમાં આશરે એક લાખ જ્ઞાતિજનો એક જ પગંતે બેસીને ભોજન કરશે. આસપાસના ૫૬ ગામના ગ્રામજનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે. સમૂહલગ્નને વધોર વિશિષ્ટ બનાવવા સીસીટીવી કેમેરા અને વિમા કવચની સુરક્ષા આપવામાં આવી છે. ભાગ લેનાર ૫૬ દિકરીઓને દાતાઓના સહયોગથી નાની મોટી ઘરવખરીની ૭૦થી વધુ વસ્તુઓનો કરીયાવર અર્પણ કરવામાં આવશે. સમૂહલગ્નમાં પરંપરાને જાળવી રાખવા માટે બળદ ગાડામાં વરરાજાના સામૈયા કરાશે. જયારે અગાઉની જેમ નાની મોણપરીમાં ઘરે ઘરે ઉતારા આપવામાં આવશે. તેમજ લગ્નના આગલા દિવસે તા.૨૮ના રોજ સાંજે સમૂહલગ્ન દાંડીયા રાસ રાખવામાં આવેલ છે. દાતાઓ દ્વારા દિકરી દત્તક લઈને સમાજને મદદરૂપ બનવાોન અભિગમ દાખવવામાં આવ્યો છે. સમૂહલગ્નની સાથે સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવતા કૃષિમેળાનું ખેડૂતો માટે વિશેષ આયોજન રાખવામાં આવ્યુ છે. જેમાં ખેડૂતોને નવીન ટેકનોલોજી સહિતની જાણકારી તજજ્ઞો દ્વારા પૂરી પાડવામાં આવશે.

સમૂહલગ્નના અધ્યક્ષ એવા કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા દ્વારા સમૂહલગ્નમાં શેટી, પલંગ, કબાટના સેટના દાતાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જયારે મોટા કોટડાવાળા કાનભાઈ કાનગડ ભોજન પ્રસાદના મુખ્ય દાતા છે. સમૂહલગ્નના દિવસે આખા નાની મોણપરી ગામમાં જાણે કે પ્રસંગ હોય તેવો અદ્દભૂત માહોલ રચાશે. સમૂહલગ્નમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ખોડલધામ - કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી, ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી, પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટ, ખોડલધામના પ્રમુખ પરેશભાઈ ગજેરા, ચુનીભાઈ રાખોલીયા, પ્રકાશભાઈ રાખોલીયા, મનસુખભાઈ દેવાણી, અરવિંદભાઈ ત્રાડા, રસીકભાઈ ગોંડલીયા, જગદીશભાઈ ડોબરીયા, ઈશ્વરભાઈ ત્રાડા, જગદીશભાઈ બાબરીયા, વસંતભાઈ ગજેરા, જે. કે. ઠેસીયા, બીપીનભાઈ રામાણી, રાજુભાઈ હીરપરા, ગોરધનભાઈ ઝડફીયા, કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, ડો. જી. કે. ગજેરા, મહેશભાઈ મુંજપરા, જેન્તીભાઈ વઘાસીયા વગેરે સૌરાષ્ટ્ર અને રાજયભરમાંથી જ્ઞાતિ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજીક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ, દાતાઓ વગેરે હાજર રહેશે.

સમૂહલગ્નને સફળ બનાવવા સમગ્ર આયોજનના માર્ગદર્શક અને સમૂહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસીયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ પ્રીતિબેન વઘાસીયા, ઉપપ્રમુખ શારદાબેન ગાજીપરા, શહેર પ્રમુખ જયશ્રીબેન વેકરીયા, રૂપલબેન વઘાસીયા તેમજ નાની મોણપરી ગામના સરપંચ જમનભાઈ રાખોલીયા, સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ડિમ્પલભાઈ રાખોલીયા, ઉપપ્રમુખ વિરેન્દ્રભાઈ રાખોલીયા, રમેશભાઈ ગોંડલીયા, મંત્રી કમલેશભાઈ કીકાણી, અશોકભાઈ ભુવા, સંગઠન મંત્રી હરેશભાઈ વીરોલીયા, ખજાનચી મનુભાઈ રાખોલીયા વગેરેના નેજા હેઠળ તમામ યુવાન અને વડીલ કાર્યકરો દ્વારા એક ટીમ સ્વરૂપે તૈયારી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમૂહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસીયાના નેજા હેઠળ અત્યાર સુધીમાં ૧૮૦૦થી વધુ દિકરીઓને સમસ્ત લેઉવા પટેલ સમાજ અને દાતાઓના સહયોગથી સાસરે વળાવવામાં આવી છે.

સમૂહલગ્નમાં ભાગ લેનાર વર અને કન્યા પક્ષ ખોટા ખર્ચાથી દૂર રહે તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને ફટાકડા બેન્ડવાજા, ડી.જે., સાજ શણગાર વગેરે જેવી વસ્તુઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. કોઈ પક્ષ પોતાના ઘરે પણ આવો ખોટો ખર્ચ કરશે તો સમિતિ દ્વારા ૨૫ હજાર દંડ અથવા તો કરીયાવર પરત લઈ લેવા સુધીન શિક્ષાત્મક પગલા લેશે. સમૂહલગ્નમાં જોડાનાર બંને સાદાઈથી લગ્ન કરીને ખોટો ખર્ચ બચાવી સમૂહલગ્નના આશયને સિદ્ધ કરવાનો રહેશે. ઉપરાંત આ સમૂહલગ્નમાં જોડાયેલા દંપતિના છૂટાછેડા થશે તો પણ સમિતિ દ્વારા કરીયાવર પરત લઈ લેવામાં આવશે. આ નિયમોનું પાલન કરવામાં આવશે તેમ હરસુખભાઈ વઘાસીયાએ જણાવ્યુ છે.

(12:22 pm IST)