Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

કચ્છમાં વધુ એક બોટ સાથે પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો

ભુજ તા.૨૦: કચ્છ : સરક્રીક વિસ્તારમાંથી બે બિનવારસી પાકિસ્તાની બોટો ઝડપાઇ હતી. બીએસએફ દ્વારા કરાયેલી તપાસ દરમિયાન બે પાકિસ્તાની બોટ ઝડપાઇ  હતી. આ બોટ માંથી એક મોબાઇલ અને માછીમારીની સામગ્રી મળી આવી હતી. વધુ તપાસ માટે બીએસએફ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ રાતભર ફાસ્ટ એટેક બોટ દ્વારા બીએસએફના જવાનોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને આ તપાસ અભિયાન બીજા દિવસે પણ જારી રહેતા બુધવારે લખપતવાળી ક્રોકના માઉથ પાસેથી પાકિસ્તાની એક ઘુસણખોર સાથે એક બોટને ઝડપી લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા ૧૭ વર્ષીય ઘુસણખોરનું નામ અબ્દુલ મજીદ છે. આ બોટમાંથી એક કિવન્ટલ મચ્છીનો જથ્થો, એક મોબાઇલ અને માછીમારીનાં સાધનો મળી આવ્યા છે. આજે ઝડપાયેલી એક બોટ અને ઘુસણખોર પાસેથી કશું શંકાસ્પદ લાગે તેવી સામગ્રી મળી નથી. પરંતુ ઉપરાછાપરી બોટ મળવાના પગલે સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ છે અને સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે.

(11:30 am IST)