Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

એસ્સાર ઓઇલ દ્વારા જામનગર-દ્વારકા જીલ્લાના આરોગ્ય અધિકારીઓને 'હેલ્થ કેર' તાલીમ

જામનગર તા. ૨૦ : એસ્સાર ઓઇલ લિ. દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી આરોગ્ય અધિકારીઓને પ્રોજેકટ મેનેજમેન્ટ ફોર કવોલીટી ઇમ્પ્રુવમેન્ટ ઇન હેલ્થ કેરની ત્રિદિવસીય તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ રાજય સરકારના આરોગ્ય, તબીબી સેવા અને તબીબી શિક્ષણ વિભાગના સહયોગ સાથે અપાઇ હતી અને બંને જિલ્લાના કુલ ૩૫ અધિકારીઓએ નિષ્ણાંતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતુ.

ઔદ્યોગિક સામાજિક જવાબદારીના ભાગરૂપે એસ્સાર ઓઇલ લિ.એ રાજય સરકારના આરોગ્ય, તબીબી સેવા અને તબીબી શિક્ષણ વિભાગના સહયોગથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય અધિકારીઓને ત્રિદિવસીય તાલીમ આપી હતી. ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક હેલ્થ મારફતે પ્રોજેકટ મેનેજમેન્ટ ફોર કવોલીટી ઇમ્પ્રુવમેન્ટ ઇન હેલ્થ કેર વિષય પર નિષ્ણાંત તબીબો અને પ્રોફેસર્સએ બંને જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર અને સામાન્ય આરોગ્ય કેન્દ્રના અધિક્ષક મળી કુલ ૩૫ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતુ.

ત્રિદિવસીય તાલીમમાં નિષ્ણાંતોએ આરોગ્ય સેવાને લગતા મહત્વના મુદ્દાઓને સમાવી લીધા હતા. જેમા આરોગ્ય સેવાકાર્યમાં ઉભી થતી અડચણનો અભ્યાસ, સેવા મેળવવા લાભાર્થીઓનો અભ્યાસ, આરોગ્ય કાર્યપ્રણાલી અંગે આયોજન, આરોગ્ય તપાસણીમાં લક્ષણો, તાર્કીક કાર્ય પધ્ધતી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોમાં આવેલા સુધારાઓ જેવા કે ટી.બી.ની નવી માર્ગદર્શિકા, જૈવિક તબીબી કચરાનું વ્યવસ્થાપન, દરેક આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા જાળવવા માટે કાળજી, જન આરોગ્ય અંગે આવેલી ટેકનોલોજી અંગે ઝીણવટભર્યુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. નવતર તાલીમ મેળવી આરોગ્ય અધિકારીઓએ એવો સુર વ્યકત કર્યો હતો કે આરોગ્ય સેવા સુદ્રઢ અને ગુણવતાયુકત બનશે.

એસ્સાર ઓઇલ લિ.એ આપેલા સહયોગને તાલીમ મેળવનારા અધિકારીગણ દ્વારા બિરદાવવામાં આવ્યો હતો. તાલીમમાં ભાગ લેનારા તમામ અધિકારીગણને એસ્સાર ઓઇલ લિ.ના પબ્લિક અફેર્સ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિપક અરોરાના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

(11:30 am IST)