Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવ તળિયે જતા પેટ્રોલ - ડિઝલની એકસાઇઝ ઘટાડવા રામદેવભાઇ મોઢવાડિયાની માગણી

પોરબંદર તા. ૨૦ : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવ તળિયે ગયા હોય ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ - ડિઝલ ઉપર લેવાતી એકસાઇઝ ડયુટીમાં ઘટાડો કરવા કોંગ્રેસ અગ્રણી અને પોરબંદર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા રામદેવભાઇ મોઢવાડિયાએ માગણી કરી છે.

કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે એકસાઈઝ ડ્યુટીએ એક પ્રકારનો ટેક્ષ છે જે ભારતમાં ઉત્પાદનના ઉત્પાદન અથવા વેચાણ પર લાદવામાં આવે છે અને જેમાંથી ભારત સરકાર અને ગુજરાત સરકાર તગડી કમાણી કરી રહી છે. વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કુડનો ભાવ પ્રતિ બેરલ ૬૭ ડોલર હતો એટલે કે લીટર દીઠ રૂ. ૩૦માં ડિઝલ પડતું હતું પરંતુ હાલમાં ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા કોલ્ડવોરને પગલે આંતર રાષ્ટ્રીય માર્કેટમાં કુડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ માત્ર ૩૮ ડોલરે પહોચી ગયો છે એટલે કે સરકારને ડિઝલ રૂ. ૧૮ નું લીટર પડતું હોવા છતાં ગુજરાત સહિત ભારતમાં પેટ્રોલ - ડિઝલના ભાવમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી જેને કારણે સામાન્ય નાગરીકને મુશ્કેલી વેઠવી પડે છે.

રામદેવભાઇએ જણાવ્યું હતું કે હાલના આંતર રાષ્ટ્રીય માર્કેટના ક્રુડ ઓઈલના ભાવ પ્રમાણે પ્રતિ લીટર પેટ્રોલ અને ડિઝલ રૂ. ૧૮ નું લીટર પડે છે. જયારે પેટ્રોલમાં રૂ. ૧૪ અને ડિઝલમાં રૂ. ૧૮ જેટલો ચાર્જ ઓઈલ કંપનીઓ વસુલે છે. આ ઉપરાંત પ્રતિ લિટર પેટ્રોલ પર એકસાઈઝ ડયુટી અને રોડ સેસ પેટે રૂ. ૨૦ આસપાસ સરકાર વસુલે છે જયારે ડિઝલ પરની એકસાઈઝ ડયુટી અને રોડ સેસ પેટે રૂ. ૧૮ સરકાર વસુલે છે.

આ ઉપરાંત પેટ્રોલ પંપના માલિકોનું ડિઝલ પરનું કમીશન રૂ. ૨.૪૯ અને પેટ્રોલ પરનું કમીશન રૂ.૩.૫૫ વસુલવામાં આવે છે. આ ઉપરાંત પેટ્રોલ પર રૂ.૧૫ આસપાસ અને ડિઝલ ઉપર રૂ. ૯.૨૩ વેટ વસુલવામાં આવે છે જેને કારણે પેટ્રોલ અને ડિઝલનો ભાવ અનુક્રમે રૂ. ૭૦.૧૪ અને રૂ. ૬૨.૮૯ એ પહોચી જાય છે. પેટ્રોલ અને ડિઝલ પર ઓઈલ કંપનીઓનો ચાર્જ, એકસાઈઝ ડયુટી, રોડ સેસ, પેટ્રોલપંપ માલિકનું કમીશન અને વેટ સહિતના ચાર્જીસને કારણે પેટ્રોલ અને ડિઝલનો ભાવ મુળ કિંમત કરતાં ત્રણ ગણા થઈ જાય છે ત્યારે લોકોને રાહત આપવા માટે સરકારે પેટ્રોલ અને ડિઝલ પર વસુલાતી એકસાઈઝ ડયુટી અને વેટમાં ઘટાડો કરવા કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ માંગણી કરી છે.

(1:01 pm IST)