Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

પોરબંદરમાં કલેકરટના માર્ગદર્શન હેઠળ કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવા ૫ ટીમો ૬૫થી વધુ કચેરીઓની તપાસણી

રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન પોર્ટ જનસેવા સહિત સ્થળોએ તપાસણીઃ કેચરીના પ્રવેશદ્રારમાં હેન્ડવોશ સેનિટાઇઝર છે કે નહીં તેની ચકાસણી જાહેરમાં ગંદકી કરનાર અને થુંકનાર વ્યકિતઓને નગરપાલિકા દ્વારા રૂ.૨૧૦૦નો દંડ કયો

પોરબંદર,તા.૨૦: કોરોના વાઇરસના સંક્રમણને પોરબંદર જિલ્લામાં ફેલાતો અટકાવવા માટે કલેકટરશ્રી ડી.એન.મોદીની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાતંત્ર દ્રારા વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. નિવાસી અધિક કલેકટરશ્રી રાજેશ એમ.તન્નાના સંકલનમાં જુદી જુદી પાંચ ટીમો બનાવીને પોરબંદર જિલ્લામાં ૬૫ થી વધુ સરકારી કચેરીઓની મુલાકાત લઇને જે-તે સ્થળે કચેરીના રૂમ તથા લોબીની યોગ્ય સફાઇ કરવામાં આવે છે કે નહી. કચેરી કે સંકુલના પ્રવેશદ્રાર નજીક હેન્ડવોશ સેનિટાઇઝર રાખવામાં આવેલ છે કે નહી, સહિતની તપાસ ટીમો દ્રારા કરવામાં આવી હતી. આ ઉપરાંત બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, જનસેવા કેન્દ્ર, જી.એમ.બી પોર્ટ સહિત સરકારી બિંલ્ડીંગ્સ, જાહેર સ્થળોએ કલેકટરશ્રીએ રૂબરૂ મુલાકાત લઇને સ્વચ્છતા અંગે તેમજ કોરોના(COVID-19) અંતર્ગત તકેદારી અંગેની સુચનાઓ આપવાની સાથે સાથે ભીડવાળી જગ્યાએ લોકોને ન જવા અનુરોધ કર્યો હતો. જાહેરમાં ગંદકી કરનાર તથા જાહેરમાં થુંકનાર વ્યકિતઓને પોરબંદર નગરપાલીકા દ્રારા રૂ.૨૧૦૦ નો દંડ કરાયો હતો. તથા લોક જાગૃતિ આવે તે માટે રિક્ષા દ્રારા પ્રચાર પ્રસાર કરવાની સાથે જુદા જુદા સ્થળોએ હોર્ડિંગસ લગાવાયા હતા. શહેરના જાહેર સ્થળોએ સાફ સફાઇ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

જિલ્લાના રાણાવાવ, કુતિયાણા, છાંયા, પોરબંદર સહિત વિસ્તારોમાં લોક જાગૃતિ આવે તે હેતુંથી હોર્ડિંગ્સ લગાવાયા છે. લોકોને કોરોના વાઇરસથી ગભરાવાની જરૂર નથી. આપસમાં હાથ મિલાવવાને બદલે નમસ્તેથી અભિવાદન કરો, છીંક કે ઉધરસ વખતે નાક અને મોં રૂમાલથી ઢાંકવું, ભીડભાડથી દૂર રહો, સાબુથી વારંવાર હાથ ધુવો, ગમે ત્યા થુંકવાનુ બંધ કરીએ, જાહેર જગ્યામાં થુંકવુંએ દંડનીય અપરાધ છે. આમ જિલ્લાતંત્ર દ્રારા કોરોના વાઇરસ સંક્રમણને ફેલાતો અટકાવવા માટે જુદી જુદી ટીમ બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જિલ્લાવાસીઓએ પણ સહયોગ પુરો પાડી કોરોના વાઇરસનો ફેલાવો ન થાય તે માટે ગભરાયા વગર સાવધાની રાખવી જરૂરી છે.

(12:58 pm IST)