Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

લીંબડી જેલ તોડી ફરાર થયેલો બિશ્નોઇ ગેંગનો કુખ્યાત આરોપી મયુરસિંહ ઉર્ફે સાગર ભુજ પાસેથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં આંગડિયા લૂંટ, માંડવીમાં મારામારી, ભુજમાં હત્યા, દારૂ અને મુંદ્રામાં દારૂ સહિતના કેસો

ભુજ તા. ૨૦ : બે મહિના પહેલા મકરસંક્રાંતિ દરમ્યાન લીંબડી સબ જેલમાંથી નાસી છૂટેલા ચાર આરોપીઓ પૈકી એક ખૂંખાર આરોપી ભુજમાંથી ઝડપાયો છે. ગઈકાલે પશ્યિમ કચ્છ એલસીબીએ ભુજ નજીક આવેલા કોટડા અને જદુરા ગામના ડુંગરોની સીમમાંથી મયુરસિંહ ઉર્ફે સાગર હરિસિંહ જાડેજાને ભારે દોડધામ બાદ ઝડપી લીધો હતો.

સુરેન્દ્રનગરમાં આંગડિયા પેઢીમાં ૬.૯૪ લાખની લૂંટ ચલાવનાર સુરેન્દ્રસિંહ ઉર્ફે સાગર શાતીર અને ખતરનાક એવી બિશ્નોઈ ગેંગનો સાગરીત છે. તે મૂળ કચ્છના માંડવીના બીદડા ગામનો છે.

સુરેન્દ્રસિંહ ઉર્ફે સાગર સામે કચ્છ પોલીસમાં ભુજના કેરા ગામે હત્યા, દારૂ, માંડવીમાં મારામારી, મુન્દ્રામાં દારૂ સહિતના કેસો નોંધાયેલા છે. પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસની ટીમે સફળતાપૂર્વક આરોપીને ઝડપ્યા બાદ તેને ફરી જેલ હવાલે કરવા સુરેન્દ્રનગર પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે.

(11:53 am IST)