Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ઢસા જંકશનથી ઢસા ચોકડી સુધી ૩ કી.મી.ના રસ્તા ઉપર ઢગલાબંધ ખાડા

રસનાળ તા. ૨૦ : બોટાદ જિલ્લાના ગઢડા (સ્વા) તાલુકાના ઢસા જંકશનથી ઢસા ગામ ચોકડી સુધીનો સીસી રોડ તેમજ ડામર રોડ બનાવવામાં આવેલ છે. બે થી અઢી વર્ષ પહેલા જ્યારે આ રોડ ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો ત્યારથી આજદિન સુધીમાં તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. આ રોડમાં મસમોટા ગાબડા પડી ગયેલ હોય તેના કારણે વાહન ચાલક રાહદારીને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ રોડ ખાડાનો બન્યો હોવાથી નાના મોટા અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. ૧૦૮ જેવી અમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવતા દર્દી અને સગર્ભા બહેનોને પારાવાર મુશ્કેલી પડે છે. તંત્રનું પેટનું પાણી હલતું નથી. બોટાદ જિલ્લા પંચાયતને રજૂઆત કરવામાં આવેલ હોય છતાં આ રોડ જિલ્લો ટ્રાન્સફર થતાં કોઇ ધ્યાન આપતું નથી. ઢસા જંકશનથી ઢસા સુધીના રોડમાં પેચ વર્ક અને ગેરંટી પિરિયડ પૂરો નથી થયો. વાહન ચાલકો દ્વારા નવો રોડ બનાવવા માગ ઉઠી છે.

(11:48 am IST)