Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોના ઈફેકટઃ કચ્છના 'ગેટ વે' એવા આડેસર, સુરજબારી અને સામખીયાળી ટોલગેટ, મુંબઈથી આવતા ટ્રેનના પ્રવાસીઓનું સ્ક્રીનીંગ

જેલોમાં કેદીઓના સગા પર નિયંત્રણ, મુખ્ય મંદિરોમાં દર્શનાર્થીઓ ઘટયા, સરકારી કચેરીઓમાં પણ પ્રવેશ પર નિયંત્રણ

ભુજ, તા.૨૦: કોરોનાની મહામારી સામે જાગૃત રહેવા સરકારની આગોતરી તૈયારીના ભાગરૂપે કચ્છમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે 'અકિલા' ને આપેલી માહિતી અનુસાર કચ્છમાં પ્રવેશવાના પ્રવેશદ્વાર એવા આડેસર, સુરજબારી અને સામખીયાળી ટોલગેટ ઉપર ખાસ તબીબી સ્ટાફ નીમીને અહીં પ્રવેશતા તમામ વાહનોના ચાલકો તેમ જ પ્રવાસીઓનું સ્ક્રીનીંગ શરૂ કરી દેવાયું છે.

તો, મુખ્ય સરકારી કચેરીઓમાં પણ બિન જરૂરી પ્રવેશ પર નિયંત્રણ મુકાયું છે. તેના માટે ખાસ મુલાકાતી રજીસ્ટરમાં નોંધ કરીને સિકયુરિટી વ્યવસ્થા સદ્યન બનાવાઈ છે. ભુજ સહિતની કચ્છની જેલોમાં કેદીઓના સગાવહાલાઓને મળવા પર પણ નિયંત્રણ મુકાયું છે.  ખાસ કેસમાં મંજૂરી બાદ જ મળવા દેવાશે. સ્વચ્છતા, સેનિટાઈઝેશનની અંગે પણ ખાસ તાકીદ કરાઈ છે. મુંબઈથી કચ્છ આવતી ટ્રેનોના પ્રવાસીઓનું ગાંધીધામ તેમ જ ભુજ રેલવે સ્ટેશને સ્ક્રીનીંગ કરાઈ રહ્યું છે. તો, કોરોના સામે સાવચેતી રાખવા ધાર્મિક સંસ્થાઓ પણ જાગૃત બની છે.

લુણી ખાતે યોજાતો ગણેશમંદિરનો લોકમેળો રદ્દ કરાયો છે. પુનડી મધ્યે આવેલ શિવાનંદબાબા સંચાલિત સમર્પણ ધ્યાન કેન્દ્ર બંધ કરાયું છે. હાજીપીરનો મેળો મુલત્વી રાખવામાં આવ્યો છે. તો, જૈનોના તીર્થ એવા ૭૨ જિનાલય, સ્વામિનારાયણ મંદિર, માતાના મઢ, નારાયણસરોવર, જોગણીનાર મંદિર, ઉમિયા માતાજી મંદિર, સ્વામિનારાયણ મંદિર માં દર્શનાર્થીઓની ભીડ ઘટી છે. અનેક સામાજિક સંસ્થાઓએ પોતાના કાર્યક્રમો રદ્દ કર્યા છે.

(11:47 am IST)