Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

વાંકાનેરના તરકીયાની સીમમાં અફીણનું જંગી વાવેતર પકડાયું

ચોટીલાના નાળીયેરી ગામનો નાથા કોળીએ તરકીયા સ્થિત વાડીમાં રજકો અને ઘઉં વચ્ચે અફીણનું વાવેતર કર્યું હતું : અફીણના ૧૯૫૧ (૨૨૫ કિલો) : ૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે : મોરબી એસઓજી વાંકાનેર તાલુકા પોલીસનો દરોડો

રાજકોટ તા. ૨૦ : વાંકાનેરના તરકીયા ગામની સીમમાં કોળી શખ્સની વાડીમાં મોરબી એસઓજી અને વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી અફીણનું જંગી વાવેતર પકડી પાડયું હતું. પોલીસે ૧૮ લાખના મુદ્દામાલ સાથે કોળી શખ્સની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના તરકીયા ગામની સીમમાં  નાથા ભલાભાઇ મકવાણા (કોળી) રહે. નાળીયેરી ગામ તા. ચોટીલાની વાડીમાં અફીણના જથ્થાનું વાવેતર થયું હોવાની બાતમી મળતા વાંકાનેર તાલુકાની ઇન્ચાર્જ એ.એસ.પી. મુકેશ ચૌધરી, પી.આઇ. આર.પી. જાડેજા તેમજ મોરબી એસઓજીના પી.આઇ. જે.એમ.આલ સહિતની ટીમે દરોડો પાડતા અફીણના જથ્થાનું જંગી વાવેતર મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.

પોલીસને સ્થળ પરથી અફીણના ૧૯૫૧ મોટા છોડ (૨૨૫ કિલો) કિં. ૧૮ લાખનો જથ્થો મળી આવતા તે કબ્જે કરી વાડીના માલિક નાથા ભલાભાઇ મકવાણાની ધરપકડ કરી હતી.

પકડાયેલ નાથા કોળીએ અફીણનું વાવેતર કોઇની નજરે ન પડે તે માટે ઘઉં અને રજકાના વાવેતર વચ્ચે અફીણનું વાવેતર કર્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:46 am IST)