Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

માલિયાસણ પાસેથી રૂ.૧૩.૮૦ લાખનો દારૂ ભરેલા ટેન્કર સાથે બે રાજસ્થાની પકડાયા

એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની ટીમનો દરોડોઃ રાજસ્થાનના સિકરથી શ્રવણકુમારે જથ્થો મોકલ્યાનું ખુલ્યું : એસઓજીના કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ અને જીતેન્દ્રસિંહ ઝાલાની સફળ બાતમી : માલ મંગાવનાર અને અને મોકલનાર વ્હોટ્સએપ કોલીંગથી સંપર્કમાં હતાં

રાજકોટ તા.૨૦: બુટલેગરો પર ધોંસ બોલાવવાનું પોલીસે યથાવત રાખ્યું છે. વધુ એક વખત લાખોનો દારૂ પકડવામાં સફળતા મળી છે. એસીપી ક્રાઇમની ટીમે ચોક્કસ બાતમી પરથી કુવાડવા રોડ માલિયાસણથી આગળ બંસલ પંપ નજીકથી રૂ. ૧૩,૮૦,૦૦૦નો ૩૧૯૨ બોટલ દારૂ ભરેલા ટેન્કર સાથે બે રાજસ્થાની શખ્સોને પકડી લીધા છે. આ દારૂ રાજસ્થાનના સિકરથી મોકલવામાં આવ્યાનું ખુલ્યું છે. પોલીસે કુલ રૂ. ૨૩,૮૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દારૂ મોકલનાર પકડાયા બાદ રાજકોટમાં માલ કોણ સંભાળવાનું હતું? તેની માહિતી સામે આવશે.

એસઓજીના કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ અને જીતેન્દ્રસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાન પાસીંગનું આરજે૧૩જીએ-૭૬૫૭ નંબરનું ટેન્કર કુવાડવા રોડ પરથી આવી રહ્યું છે અને તેમાં દારૂનો જથ્થો છે. આ માહિતી પરથી ટૂકડી પહોંચી ગઇ હતી અને વોચ રાખી બાતમી મુજબના ટેન્કરને આંતરી તલાસી લેતાં અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટેન્કર ચાલક અને કલીનર મહિપાલસિંહ ફુલચંદ ભાસ્કર (જાટ) (ઉ.વ.૩૪-રહે. દુર્ગાપુરા, પીપરાલી તા. સિકર, રાજસ્થાન) અને રણવીરસિંહ ભગવાનરામ ખીચડ (જાટ) (ઉ.વ.૨૫-રહે. છોટી જીગ તા. સિકર રાજસ્થાન)ને પકડી લઇ રૂ. ૧૦ લાખનું ટેન્કર તથા અંદર ભરેલો રૂ. ૧૩,૮૦,૦૦૦નો ૩૧૯૨ બોટલ દારૂ તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨૩,૮૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ઝડપાયેલા મહિપાલસિંહે પોલીસ સામે એવું રટણ કર્યુ હતું કે આ દારૂનો જથ્થો રાજસ્થાન સિકરના શ્રવણકુમાર જાટએ મોકલ્યો હતો. દારૂ રાજકોટ કે આસપાસ કોને આપવાનો હતો તે શ્રવણકુમાર જ જાણે છે. પોલીસ હવે તેને શોધશે ત્યારે માલ મંગાવનાર બુટલેગરની માહિતી બહાર આવશે. ડ્રાઇવરે કહ્યું હતું કે દારૂ મોકલનાર અને મંગાવનાર વ્હોટ્સએપ કોલીંગથી સંપર્કમાં હતાં. અમને રાજકોટની ભાગોળે ઉભા રહેવાની સુચના શ્રવણકુમારે આપી હતી. એ પછી કોઇ માણસ રૂબરૂ અમારી પાસે આવવાનો હતો. જો કે એ પહોંચે તેની પહેલા પોલીસ પહોંચી ગઇ હતી.

નોંધનીય છે કે ગઇકાલે આજીડેમ પોલીસે પણ લાખોના દારૂ સાથે બે રાજસ્થાની શખ્સને પકડ્યા હતાં. તેમાં પણ દારૂનો જથ્થો રાજસ્થાની શખ્સે મોકલ્યાનું સામે આવ્યું હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ દારૂની પ્રવૃતિ નાબુદ કરવા સુચના આપી હોઇ એસીપી જયદિપસિંહ એચ. સરવૈયા, પીએસઆઇ એમ.એસ. અંસારી, હેડકોન્સ. ઝહીરખાન ખફીફ, ભુપતભાઇ રબારી, એસઓજીના કોન્સ. વિજેન્દ્રસિંહ એ. ઝાલા, કોન્સ. ફિરોઝભાઇ રાઠોડ, જીતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. પ્રદિપસ્િંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ, અઝરૂદ્દિન બુખારી, કોન્સ. સુધીરસિંહ જાડેજા  સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ કામગીરી થઇ હતી.

(11:40 am IST)