Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

જુનાગઢમાં ક્રાઇમ બ્રાંચનાં પોલીસ તરીકેની ઓળખ આપી યુવાનને હનીટ્રેપમાં ફસાવી-પાંચ લાખની ખંડણી માંગી

બળાત્કારનાં ગુનામાં ફસાવી દેવાની પણ ધમકી આપીઃ ત્રણ છોકરી સહિત પાંચ શખ્સો સામે ભવનાથ પોલીસમાં ફરિયાદ

 જુનાગઢ તા. ર૦: જુનાગઢમાં ક્રાઇમ બ્રાંચનાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી યુવાનને હનીટ્રેપમાં ફસાવી અને બળાત્કારનાં ગુનામાં ફસાવી દેવાની બીક બતાવીને રૂ. પાંચ લાખની ખંડણી માંગી હોવાનું જાણવા મળેલ છે.

આ બનાવ અંગે ત્રણ છોકરી સહિત પાંચ શખ્સો સામે ગત રાત્રે ફરિયાદ થતાં ભવનાથ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ બનાવની વિગતો એવી છે કે, જુનાગઢ તાલુકાનાં ગલીયાવાડા ગામે પ્રેમનગર સોસાયટીમાં રહેતો વિશાલ ધનજીભાઇ મોણપરા (ઉ.વ.રપ) મનામનાં યુવાનને તા. ૧૮ની રાત્રીનાં રીંકલ ગેડીયા નામની યુવતિ અને એક અજાણી છોકરીએ જુનાગઢનાં કાળવા ચોકમાં મોર્ડન ચોકની સામે આવેલ દિલખુશ પાનની દુકાન પાસે બોલાવેલ.

આ પછી ઉમેશ નંદાણીયા, હીના નંદાણીયા અને એક અજાણ્યા શખ્સે આવી ચડી પોતાની ક્રાઇમ બ્રાંચનાં પોલીસ તરીકેની ઓળખ આપી વિશાલને પ્લાસ્ટીકની લાકડી વડે માર માર્યો હતો.

બાદમાં વિશાલ પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા માટે તેને ઇપીકો કલમ ૩૭૬ મુજબનાં સેસન્સ ટ્રેબલ ગુનામાં ફસાવી દેવાની બીક બતાવી વિશાલને અપહરણ કરી ગિરનાર દરવાજા પાસે આવેલ ગાયત્રીનગર સોસાયટી ખાતે લઇ ગયા હતા. અને પાંચ લાખની ખંડણી માંગી હતી.

આ હનીટ્રેપ અંગે ગત રાત્રે વિશાલ મોણપરાએ ફરિયાદ કરતાં ભવનાથ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ અંગે એસ.પી. સૌરભસિંહની સુચનાથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ભવનાથનાં ઇન્ચાર્જ પી.એસ.આઇ. વી. યુ. સોલંકીએ ત્વરિત તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળેલ છે.

(11:39 am IST)