Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

હાજીપીર પદયાત્રીઓની સેવા માટે ભુજ આવેલા જામનગરના કોરોનાના ત્રણ શંકાસ્પદ દર્દીઓએ કરાવી દોડધામ : ત્રણેયને વાંકાનેરથી પકડી રાજકોટ સિવિલમાં દાખલ કરાયા

ત્રણે જિલ્લાના કલેકટર, આરોગ્ય અને પોલીસ તંત્રને થઇ દોડધામ : જ્યાં સેવા કરી ત્યાંના પદયાત્રીઓનું સ્ક્રીનીંગ : તંત્રની જાગૃતિ કાબીલેદાદ

ભુજ તા. ૨૦ : કોરોનાની મહામારી દરમ્યાન આ રોગના લક્ષણો ધરાવતાં દર્દીઓ તેમના પરિવારજનોની બેદરકારી તેમના જીવ ઉપરાંત અન્યઙ્ગ લોકોના જીવ સામે પણ જોખમ સર્જી શકે છે. આવા જ એક બેદરકારીભર્યા કિસ્સાએ ત્રણ જિલ્લાઓના કલેકટર, આરોગ્ય અને પોલીસ તંત્રને દોડતા કર્યા હતા.

જોકે, આ કિસ્સામાં આ બધાની કામગીરી કાબીલેદાદ રહી હતી. થયું એવું કે, જામનગરના કોરોના ના ત્રણ શંકાસ્પદ દર્દીઓ કચ્છમાં હાજીપીરના મેળામાં જઈ રહેલા પદયાત્રીઓના સેવાકેમ્પમાં મદદ માટે છકડા દ્વારા આવ્યા હતા.

જામનગરના આરોગ્યતંત્રને આ અંગે જાણ થતાં કચ્છના કલેકટરને આ માહિતી આપી કોરોના ના આ ત્રણેય શંકાસ્પદ દર્દીઓને પકડી તેમને રેસ્કયુ કરવા જણાવાયું હતું. આ સુચનાને પગલેઉ કચ્છના કલેકટર સહિત આરોગ્યતંત્ર એલર્ટ થઈ એ ત્રણેયને શોધવા માટે ધંધે લાગ્યા હતા. તેમાં પોલીસની પણ મદદ લેવાઈ હતી. જોકે, એ દરમ્યાન આ ત્રણેય શંકાસ્પદ દર્દીઓ છકડા દ્વારા પરત ગયા હોવાનું જાણવા મળતા તેમને પકડી પાડવા તંત્ર દોડતું થયું હતું.

તેઓ વાંકાનેર સાઈડ હોવાનુંઙ્ગ લોકેટ થતા રાજકોટ કલેકટર, પોલીસ અને આરોગ્યતંત્ર ની મદદ દ્વારા ત્રણેય દર્દીઓને પકડી અત્યારે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

'અકિલા' સાથે વાત કરતા કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે આ અંગે જાણકારી આપી હતી. હવે કચ્છના આરોગ્યતંત્રએ આ ત્રણેય વ્યકિતઓ જયાં જયાં ફર્યા હતા તે વિસ્તારમાં પદયાત્રીઓનું સ્ક્રીનીંગ શરૂ કર્યું છે. કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે આવા કિસ્સાઓમાં જાતે સાવધાની રાખવાની અપીલ કરી છે.

(11:34 am IST)