Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સૌરાષ્ટ્ર - કચ્છમાં 'કોરોના'ની અગમચેતી રૂપે ફરવા લાયક સ્થળો - પાર્ક બંધ

રાજ્ય સરકારના આદેશ બાદ જીમ્નેશિયમ, વોટર પાર્ક, ઓડીટોરીયમ, પાર્ટી પ્લોટ, લગ્ન સમારંભો ૩૧મી સુધી બંધ રહેશે

રાજકોટ તા. ૨૦ : રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ 'કોરોના'ની અગમચેતી રૂપે ફરવાલાયક સ્થળો - પાર્ક બંધ રાખવામાં આવ્યા છે.

કોરોના વાયરસની ભવિષ્યની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક ડીસીઝ એકટ ૧૮૯૭ અન્વયે આ વિભાગના ક્રમાંક એનવીસી-૧૦૨૦૨૦ - એસ.એફ.એસ.૧, તા. ૧૩-૩-૨૦૨૦ના નોટીફિકેશનથી રાજ્યમાં 'ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન ૨૦૨૦' લાગુ કરવામાં આવેલ છે.

રાજ્યના તમામ જિમ્નેશિયમ, વોટર પાર્ક, ઓડિટોરીયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, ગેમ ઝોન, રીક્રીએશનલ કલબ તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે તા. ૩૧-૩-૨૦૨૦ સુધી બંધ રાખવાના રહેશે.

ઙ્ગરાજ્યમાં ખાનગી પ્રેકટીસ કરતા તમામ મેડીકલ, હોમિયોપેથીક, આયુર્વેદીક દવાખાના, ખાનગી હોસ્પિટલોમાં કોરોના લક્ષણો ધરાવતો કોઇ પણ શંકાસ્પદ દર્દી જણાય કે કોરોના સબંધિત રીપોર્ટ પોઝીટીવ આવે તો રાજ્ય સરકારમાં હેલ્પલાઇન નં. ૧૦૪, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (સી.ડી.એચ.ઓ.), અધિક નિયામકશ્રી (જાહેર આરોગ્ય) કે નજીકની મેડીકલ હોસ્પિટલના તબીબને તેની તુર્ત જ જાણ કરવાની રહેશે. ઉપરોકત સુચનાઓનું તાત્કાલિક અસરથી ચુસ્તપણે અમલ કરવા આઇ.એમ.કુરેશી સંયુકત સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારની યાદીમાં જણાવાયું છે.

ભાવનગર

 ભાવનગર : ભાવનગર જિલ્લામા કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવના ભાગ રૂપે ગુજરાત સરકારશ્રીએ એપીડેમીક એકટ ૧૮૯૭ અન્વયે તા.૧૩ના રોજ બહાર પડેલ જાહેરનામુ તેમજ રાજયના વન વિભાગ દ્વારા તમામ ઝૂ તથા સફારી પાર્ક અને નેશનલ પાર્ક બંધ રાખવા લીધેલ નિર્ણયના ભાગરૂપે તા.૧૮-૦૩-૨૦૨૦ થી તા.૩૧-૦૩-૨૦૨૦ અથવા અન્ય જાહેરાત ન થાય ત્યા સુધી વિકટોરીયા નેચર પાર્ક, હાથબ ટુરીસ્ટ કોટેજીસ તેમજ હાથબ ઈકો ટુરીઝમ સેન્ટર, પ્રકૃતિ શિક્ષણ શિબિર, પ્રવાસો વગેરે જાહેર જનતા તેમજ વોકર્સ માટે બંધ રહેશે. તેમ નાયબ વન સંરક્ષણશ્રી, ભાવનગર વન વિભાગ, ભાવનગરની યાદીમા જણાવવામા આવ્યુ છે.

(11:35 am IST)