Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સૌરાષ્ટ્ર-કચ્છનાં મુખ્ય મંદિરોમાં સેવા-પુજા ચાલુઃ દર્શનાર્થીઓની ગેરહાજરી

'કોરોના'ની અસર વધતા તકેદારીરૂપે સોમનાથ, દ્વારકા, માતાના મઢ સહિત નાના-મોટા ધર્મસ્થાનોમાં ભીડ ન કરવા અપીલ

પ્રથમ તસ્વીરમાં શ્રી સોમનાથ મહાદેવનું મંદિર બંધ હાલતમાં, બીજી તસ્વીરમાં આજના શ્રી સોમનાથ મહાદેવના દર્શન અને ત્રીજી તસ્વીરમાં ગિરનાર શ્રી અંબાજી મંદિર નજરે પડે છે. (તસ્વીર : દિપક કકકડ-વેરાવળ-દેવાભાઇ રાઠોડ (પ્રભાસ પાટણ), મુકેશ વાઘેલા-જુનાગઢ)

રાજકોટ તા. ર૦ :.. 'કોરોના' ને વધુ પ્રસરતો અટકાવવા માટે તંત્ર સજ્જ થઇ છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના મુખ્ય મંદિરોમાં સેવા-પુજા ચાલુ છે જયારે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ હોવાથી દર્શનાર્થીઓની ગેરહાજરી ધર્મસ્થાનોમાં જોવા મળી રહી છે.

'કોરોના' ની અસર વધતા અને રાજકોટ, સુરત અને અમદાવાદમાં 'કોરોના' ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તંત્ર એલર્ટ થઇ ગયુ છે અને અગમચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

પ્રથમ જયોર્તિલીંગ શ્રી સોમનાથ મહાદેવ, દ્વારક ખોડલધામ-કાગવડ, ચોટીલા, વિરપુર, હર્ષદ માતા મંદિર, શ્રી નાગેશ્વર મહાદેવ જયોર્તિલીંગ, શ્રી ઘેલા સોમનાથ, શ્રી જડેશ્વર મહાદેવ - વાંકાનેર સહિત અનેક જગ્યાએ મંદિરો ખુલ્લા છે પરંતુ ભાવિકોની ગેરહાજરી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજયના પાંચ મુખ્ય યાત્રાધામો આવતીકાલ તા. ર૦ માર્ચ-ર૦ર૦થી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

આ યાત્રાધામોમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, ડાકોર અને પાવાગઢના મંદિરોમાં માત્ર નિયમીત થતી સેવા-પૂજા ચાલુ રાખવામાં આવશે પરંતુ દર્શનાર્થીઓ માટે આ મંદિરોમાં દર્શન સંપૂર્ણ બંધ રહેશે.ઙ્ગ

મુખ્ય સચિવ શ્રી ડો. અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ તેમજ સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ શ્રી કમલ દયાની અને મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમારની ઉપસ્થિતીમાં યોજાયેલી આ બેઠકમાં લેવાયેલા અન્ય મહત્વના નિર્ણયો અનુસાર રાજય સરકારની સેવાઓમાં વિવિધ સંવર્ગમાં ભરતી માટેની તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ જે તા. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધીમાં લેવાનારી હતી તે બધી જ પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ પરિક્ષાઓ આગામી તા. ૧૪ મી એપ્રિલ-ર૦ર૦ પછી લેવામાં આવશે.ઙ્ગ

ગુજકેટની જે પરિક્ષાઓ તા.૩૦મી માર્ચે-ર૦ર૦ લેવાનું જાહેર કરવામાં આવેલું તે પરિક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે અને તે પરિક્ષા તા.૧૪ એપ્રિલ-૨૦૨૦ પછી લેવામાં આવશે.ઙ્ગ

ગુજરાતમાં કોરોના વાયરસનો ફેલાવો કે વ્યાપ અન્ય રાજયોમાંથી આવતા વ્યકિત-મુસાફરો મારફત ન ફેલાય તેની કાળજી રાખીને રાજય માર્ગ વાહનવ્યવહાર નિગમની મહારાષ્ટ્ર તરફ જતી બસ સેવાઓ બંધ કરવામાં આવી છે. અન્ય રાજયોમાંથી આવતી ખાનગી પેસેન્જર ટ્રાન્સપોર્ટ બસ સેવાઓના પેસેન્જરોનું રાજયની ૧૬ ચેકપોસ્ટ પર સ્કીનીંગ કરવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો છે.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં આગોતરા આરોગ્ય તકેદારીના પગલાંઓને પરિણામે કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં સફળતા મળી છે પરંતુ હજી જનસહયોગથી વધુ ચોકસાઇ રાખીને ગુજરાતમાં કોરોના વાયરસનો પગપેસારો ન થાય તેની પુરતી કાળજી રાજય સરકાર અને આરોગ્ય વિભાગ રાખી રહ્યા છે.

દ્વારકા

 દ્વારકા : કોરોના વાયરસ અન્વયે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલા મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોએ તકેદારી અને સાવચેતીના આગોતરા પગલા લેવામાં આવી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ધાર્મિક સ્થળો જેવા કે, (૧) શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા (ર) બેટ દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા (૩) નાગેશ્વર મંદિર, નાગેશ્વર, તા. દ્વારકા તથા (૪) હરસિધ્ધી માતાજી મંદિર, ગાંધ્વી જેવા મંદિરો દર્શનાર્થીઓ માટે તા. ર૦ થી ૩૧ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.

આ મંદિરોમાં સેવા કરતા પુજારીઓ, મંદિરના સુરક્ષા કર્મીઓ, મંદિરના વહીવટી કર્મચારીઓ તેમજ ફરજના ભાગરૂપે જતા સરકારી અધિકારીઓ-કર્મચારીઓશ્રીઓ રાબેતા મુજબ તેમની ફરજો બજાવી શકશે. વધુમાં શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે ધ્વજારોહણ પ્રસંગે ધ્વજા ચડાવનાર તેમજ તેમના રપ પરિવારજનો જ મંદિરમાં પ્રવેશી શકશે.

સરકારશ્રી દ્વારા કોરોના વાયરસ અંગેની અન્ય કોઇ એડવાઇઝરી જાહેર કરવામાં ન આવે તો તા. ૧-૪-ર૦ર૦ થી ઉપરોકત તમામ મંદિરો રાબેતા મુજબ ચાલુ રહેશે.  તેમ કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ કે. એમ. જાનીએ જણાવ્યું છે.

વેરાવળ-પ્રભાસ પાટણ

વેરાવળ-પ્રભાસ પાટણ : શ્રી સોમનાથ પ્રથમ જયોતિર્લીંગ મંદિર તેમજ શ્રી અહલ્યાબાઇ મંદિર કોરોના વાઇરસની મહામારીને લઇ યાત્રિકો માટે ગઇકાલે સાયં આરતી પછીથી તા. ૩૧ સુધી યાત્રિકો માટે દર્શન બંધ કરવામાં આવેલ છે. આ બન્ને મંદિરોમાં નિત્ય પૂજન, આરતી, પછીથી તા. ૩૧ સુધી યાત્રિકો માટે દર્શન બંધ કરવામાં આવેલ છે. આ બન્ને મંદિરોમાં નિત્ય પૂજન, આરતી, નિયત સમયે કરવામાં આવશે. પરંતુ દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.

વિશેષમાં દર્શનાર્થીઓ ઘરે બેઠા શ્રી સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડીયાના માધ્યમાંથી દર્શન તેમજ આરતીનો લાભ લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org, ફેસબુક, ટવીટર, ઇન્સ્ટાગ્રામ, સોમનાથ યાત્રા એપ, હેલો એપ, પરથી ભગવાનના દર્શન તેમજ આરતીનો લાભ લઇ શકાશે. છેલ્લા ર દિવસમાં રોજના ર લાખથી વધુ ભકતોએ લાઇવ દર્શનનો લાભ લીધો છે.

જુનાગઢ

 જુનાગઢ :.. જુનાગઢ - ગીરનાર પર્વત ઉપર આવેલ અંબાજી મંદિરના મહંત મોટા પીર બાવા તનસુખગીરીબાપુએ 'કોરોના' ના કારણે જાહેરાત કરી હતી કે, મંદિરની આરતીમાં લોકોની ભીડ એકઠી થવા દેવામાં નહી આવે આવતા ભાવિકોને સેનેટ્રાઇઝર થી હાથ સાફ કરવા પડશે. સેનેટ્રાઇઝરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી, ગીરનાર પર્વત ઉપર રોજના હજારો ભાવિકો મા અંબાજીના દર્શન કરવા પધારે છે. કોરોના વાઇરસનો વધુ ફેલાવો ના થાય અને લોકોમાં જાગૃતિ નિર્ણય અર્થે લેવાયો છે.

(11:02 am IST)