Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

૩૮૫ના ટેકા ભાવે ઘઉં ખરીદી શરૂ કરો : ઉપલેટા કિસાન સભાની માંગ

સરકાર તરફથી વિલંબ થતા ખુલ્લા બજારમાં ૩૧૦-૩૨૦ના ભાવે વેચવા પડે છેઃ ખેડૂતોને પડયા ઉપર પાટું જેવી સ્થિતિ : ટોકન આવ્યા પણ ખરીદી કયારે કરશો?

ઉપલેટા તા. ૨૦ : ચાલુ સાલે પુરતા વરસાદથી ભાદર-૧ અને ૨, મોજ ડેમ, વેણુ ૨ ડેમ પુરેપુરા ભરાયા હતા. ખેડૂતોને પાકમાં થયેલ અતિ વરસાદ અને વરસાદથી નુકસાન થયેલ ત્યારે રવિ પાકમાં સારૂ વળતર મળશે તેવી આશાએ ઘઉં, ચણા, જીરૂ, ધાણા જેવા પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થયેલ. ઉપલેટા તાલુકામાં ખેડૂતોએ ઘઉંનું પુષ્કળ વાવેતર કરેલ છે. આ ઘઉંનો પાક તૈયાર થઇ ગયેલ છે અને ઘઉંની કાપણી પણ શરૂ થઇ ગયેલ છે. ખેડૂતોએ સરકાર સમક્ષ ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવેલ છે.

ખેડૂતોને ઓનલાઇન ઘઉં ખરીદી માટે ટોકન ફાળવવામાં આવેલ છે, જેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ છે, પરંતુ ઘઉં ખરીદી શરૂ થયેલ નથી. આથી જરૂરીયાતમંદ, નાના ખેડૂતોને ટેકાના ભાવે થતી ખરીદીના લાભથી વંચીત રહેશે તેવો ભય સતાવી રહ્યો છે. આ ખેડૂતોના ઘઉં ખરીદ થાય તે અંગે ગુજરાત કિશાન સભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરા અને પ્રતિનિધિ મંડળે ઘઉં ખરીદીની જવાબદારી સંભાળવા પુરવઠા નિગમના અધિકારી શ્રી ચાવડાને મળી રજૂઆત કરેલ કે ઘઉંની ટેકાના ભાવે ખરીદીના વિલંબથી ખેડૂતોને ખુલ્લા બજારમાં જવાની ફરજ પડે છે.

ખુલ્લા બજારમાં ઘઉંના ભાવ ૩૧૦ થી ૩૨૦ માંડ મળી રહ્યા છે, આથી ખેડૂતો ઘઉંના વેચાણમાં નુકસાની કરી રહ્યા છે. મોંઘા ખાતર બિયારણ અને માથેથી ખર્ચાઓ કરી ઉત્પાદન કરેલા ઘઉંની ખરીદી ટેકાના ભાવ રૂ. ૩૮૫થી વહેલી તકે શરૂ કરવા ઉગ્ર માંગ કરી છે.

(10:18 am IST)