Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ચીનથી સપ્લાય ચાલુ થયો હોય ઉત્પાદન બંધ કરવું નહિ પડેઃ ડોમેસ્ટિક માર્કેટને અસર, એકસ્પોર્ટને ફાયદોઃ નિલેશ જેતપરિયા

કોરોનાને લીધે મોરબી સિરામિક માર્કેટમાં ૧પ થી ર૦ ટકા ઘટાડોઃ ગુજરાતમાં સલામતિ હોઇ શ્રમિકો બાબતે કોઇ જ તકલીફ નથીઃ એકસ્પોર્ટ વધશે

મોરબી તા. ર૦ : કોરોનાનો કહેર વિશ્વના અનેક દેશોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગને પણ અસર વર્તાઇ રહી છે. જોકે લાંબાગાળે એકસપોર્ટમાં વૃદ્ધિ થશે તેવો આશાવાદ પણ એસો.ના પ્રમુખે વ્યકત કર્યો છે.

કોરોનાના હાકારને પગલે ૧પ થી ર૦ ટકા જેવો માર્કેટમાં ઘટાડો થવા પામ્યો છે. તો જો કે શ્રમિકો અહીં ગુજરાતમાં જ વસતા હોય અને ગુજરાતમાં હજુ સલામતીનું વાતાવરણ છે જેથી શ્રમિકો બાબતે ઉદ્યોગને કોઇ અસર થઇ ના હોવાનું સિરામિક એસો.પ્રમુખ નીલેશભાઇ જેતપરીયા જણાવી રહ્યા છે.

ઉકાળા વિતરણ શરૂ કરી દેવાયા છે, તેમજ ઓછા લોકો મળે જાહેર મેળાવડા કે ઉદ્યોગની મીટીંગમાં જવાનું પણ ટાળીને સલામતીના પગલા લઇ રહ્યા છે.તે મોરબીની ફેકટરીઓમાં રીટેલ માર્કેટ બંધ કરવાનું અભિયાન પણ કેટલીક ફેકટરી દ્વારા શરૂ કરાયું છે જેથી લોકો એકત્ર ના થાય.

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા રો મટીરીયલ્સ ચીનથી આયાત કરવામાં આવતા હોય જેની સપ્લાય ચાલુ થઇ હોવાથી હાલ ઉદ્યોગને કોઇ માઠી અસર થવા પામી નથી અને નજીકના સમયમાં રો મટીરીયલ્સના અભાવે ઉત્પાદન બંધ કરવું પડે તેવી કોઇ સ્થિતિ જોવા મળી રહી ના હોવાનું શ્રી જેતપરીયા જણાવી રહ્યા છે.

વિશ્વમાં સિરામિક ઉત્પાદન કરતા ઇટલી, સ્પેન, ચીન, ઇરાન અને ભારતમાંથી ભારતને બાદ કરતા બાકી ચાર દેશોમાં કોરોનાએ ભરડો લીધો છે. જેથી હાલના તબકકે મોરબીના સિરામીક ઉદ્યોગને ભવિષ્યમાં એકસપોર્ટમાં લાભ મળશે તેવો આશાવાદ પણ વ્યકત કરી રહ્યા છે.

(9:41 am IST)