Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ભાણવડઃ જામપર ગામ એસ.ટી. સુવિધાથી વંચિત

ત્રણ હજારની વસ્તી, તાલુકો ૨૦ કિ.મી., જિલ્લા મથક ૪૦ કિ.મી.ના અંતરે જવા આવવા એકમાત્ર છકડા રીક્ષાની જ વ્યવસ્થાઃ ગ્રામજનોની રજુઆત

ભાણવડ તા.૨૦: તાલુકાનું છેવાડે આવેલું જામપર ગામ આજ સુધી એસ.ટી.ની સુવિધાથી વંચિત છે અને ગામની આશરે ત્રણ હજારની વસ્તીએ તાલુકા મથકે કે જિલ્લા મથકે આવાગમન માટે એકમાત્ર છકડો રીક્ષા પર નિર્ભર રહેવું પડે એનાથી વિશેષ બીજી કરૂણતા શું હોઇ શકે?

ગામના જાગૃત નાગરિક હરિલાલ ગોરધનદાસ ભોગાયતાએ એસ.ટી. વિભાગના નિયામકને રજુઆત કરી નકલ સાંસદને મોકલેલ જેમાં જણાવવામાં આવેલ છે કે, ભાણવડ તાલુકાના જામપરને આજ સુધી એસ.ટી. બસની સુવિધા પ્રાપ્ત થઇ નથી અને ગામની ત્રણ હજારની વસ્તી તેમાં પણ ખાસ કરીને  શાળાના વિદ્યાર્થીઓ, નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધ ઉપરાંત બિમાર લોકોએ એસ.ટી.ની સુવિધાના અભાવે તાલુકા કે જિલ્લા મથકે જવા ફરજીયાત પણે છકડો રીક્ષાનો સહારો લેવો પડી રહયો છે આ બધી  ગ્રામજનોની અસુવિધાને લઇ તા. ૨૩-૧-ના રોજ એસ.ટી. બસની સુવિધા માટે રજુઆત કર્યા બાદ ફરીથી રજુઆત કરવામાં આવેલ છે. ગ્રામજનોની માંગ છે કે, જામપર ગામને ભાણવડ શહેર સાથે તેમજ જિલ્લા મથક ખંભાળીયા સાથે જોડતી બસની સુવિધા આપવામાં આવે ત્યારે હવે જોવાનું રહયું કે, વિભાગીય નિયામક એસ.ટી. જામનગર પર આ ગ્રામજનોની રજુઆતની અસર થાય છે કે નહીં.

(12:11 pm IST)