Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ચાંદીની પીચકારીમાં કેસુડાના રંગથી દ્વારકાધીશ ભગવાનના સાનિધ્યમાં ધુળેટી પર્વ

કાલે દ્વારકામાં ફુલડોલ ઉત્સવ ભવ્યતાથી ઉજવાશે : અબીલ-ગુલાલના છાંટણા કરાશે

દ્વારકા, તા. ર૦ : તીર્થધામ દ્વારકામાં દ્વારકાધીશજીને વસંત ઋતુના આગમનના વધામણા રૂપે રોજ શ્રૃંગાર આરતી તથા સંધ્યા આરતીમાં કાળીયા ઠાકોરજીને અબીલ-ગુલાલના છાંટણા કરી રંગ રમાડવાનો ભાવ વ્યકત કરાયો છે. શ્રીજીને અબીલ-ગુલાલની પોટલી ધરી તેમાંથી દર્શનાર્થીઓને રંગે રમાડાય છે. વસંત પંચમીથી ફુલડોલ (ધુળેટી) સુધી વસંતોત્સવ ઉજવાય છે. ખાસ કરીને હોળી અગાઉના આઠ દિવસ જે હોળાષ્ટક કહેવાય છે તેમાં બંને આરતીઓમાં દર્શનાર્થીઓને ઠાકોરજીના પ્રસાદરૂપે રંગોથી રમાડાય છે. આગામી ગુરૂવારે મંદિર પરિસરમાં ભવ્ય ફુલડોલ ઉત્સવ ઉજવાશે જેમાં ભાગ લેવા પદયાત્રીઓ સૌરાષ્ટ્રભરમાંથી દ્વારકાભણી ઉમટી રહ્યા છે.

દ્વારકાધીશના મંદિરના પ્રણવ પુજારીએ વિશેષમાં જણાવ્યું કે શ્રીજીને વસંત પંચમીથી હોળાષ્ટક સુધી સવારની શ્રૃંગાર આરતી તેમજ સાંજની સંધ્યા આરતીમાં પ્રભુના લલાટે તથા ગાલે અબીલ-ગુલાલ વગેરે રંગો વસંતના આગમનની ખુશીમાં લગાડવામાં આવે છે.

હોળી સુધી શ્રીજીને બન્ને આરતીમાં શ્રીહસ્તમાં અબીલ-ગુલાલના રંગથી પોટલી ધરાવવામાં આવે છે. અને સેવકો તેમજ દર્શનાથીઓ ભકતો પણ આ ઋતુને વધાવે છે.

આ ઉત્સવ આરતી દરમ્યાન ફરીથી શ્રીજીના હસ્તમાં રંગોની પોટલી ધરાવવામાં આવે છે તેમજ ચાંદીની પીચકારીમાં કેસુડાના રંગ અને કેસરનું પાણી ભરી શ્રીજીને હોળી રમાડવામાં આવે છે. તેમજ આજ હસ્ત પોટલામાંના અને પીચકારીના રંગોથી દર્શનાર્થી સૌ ભકતોને રંગ ઉડાડવામાં આવે છે.

આ ફુલડોલ ઉત્સવ મનાવવા દૂર દૂરથી પદયાત્રીઓ ચાલીને આવતા હોય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ હોળી-ફુલડોલ ઉત્સવની ઉજવણી કરવા દ્વારકા પધારે છે.

ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ, જુનાગઢ, જામનગર સહિત ઠેરઠેરથી હજારો પદયાત્રીઓ યાત્રાધામ દ્વારકામાં કાળીયા ઠાકોરજી સંગ ફુલડોલ ઉત્સવ મનાવવા પહોંચી ગયા છે તેમજ ગુજરાતભરમાંથી રોડ-રેલ માર્ગે પણ હજારો ભાવિકો પધાર્યા હોય આગામી બે-ત્રણ દિવસો સુધી દ્વારકામાં ભાવિકોનું ઘોડાપુર જોવા મળશે.

આગામી બે દિવસમાં હજુ પણ વધુ યાત્રાળુઓ ફુલડોલ ઉત્સવ મનાવવા આવનાર હોય સ્થાનીક પોલીસ વિભાગ દ્વારા પણ યાત્રીકોની સલામતી, સગવડતા અને સુવ્યવસ્થા જળવાય રહે તે માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા સાથનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. (૮.૯)

 

(12:04 pm IST)