Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

માણાવદર પાલિકાનું વિકાસલક્ષી બજેટ મંજુર

માણાવદર, તા. ૨૦ :. નગરપાલિકાના નવા ચૂંટાયેલા બોર્ડની પ્રમુખ નિર્મળસિંહ ચનુભા ચુડાસમાના અધ્યક્ષ સ્થાને મળેલ પ્રથમ સાધારણ સભામાં સૌ પ્રથમ નવા વરાયેલ પ્રમુખ, ઉપપ્રમુખ, વિરોધ પક્ષના નેતા અને તમામ સદસ્યશ્રીઓનું ચીફ ઓફિસર દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું.

સાધારણ સભાના અધ્યક્ષ અને પ્રમુખ શ્રી નિર્મળસિંહ સી. ચુડાસમાએ આપેલ માહિતી મુજબ સને ૨૦૧૮-૧૯ના વર્ષમાં શહેરનો સંપૂર્ણ વિકાસ થાય તેવું રૂ. ૧૩.૦૦ કરોડનું વિકાસલક્ષી બજેટ બહુમતીથી મંજુર કરવામાં આવેલ છે. તેમજ નગરપાલિકા કચેરીમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને ભવિષ્યમાં આર્થિક લાભ મળે તે હેતુથી સરકારશ્રીની પ્રવર્તમાન નિતીઓ મુજબ તેઓના ઈ.પી.એફ. કપાત કરી તેઓને આર્થિક સુરક્ષા કવચ આપવાનો મુદ્દો પણ બહુમતીથી મંજુરી કરવામાં આવેલ છે.

ઉપરાંત નગરપાલિકાની વિવિધ સેવાઓમાં અકારણ થતો વિલંબ દૂર કરી શકાય અને દૈનિક કામગીરીઓ વેગવંતી બનાવી શકાય તે માટે સરકારશ્રીના પ્રવર્તમાન, નિયમોનુસાર ખાલી પડેલ મહત્વની જગ્યાઓ ઉપર કવોલીફાઈડ સ્ટાફની નિમણૂંક કરી પાલિકાની વહીવટી કામગીરી સરળ બનાવવાનો મુદ્દો બહુમતીથી મંજુર કરવામાં આવેલ છે. તેમજ લોકો માટે અત્યંત મહત્વના એવા પાણીના પ્રશ્ન માટે અત્યારથી આગોતરા આયોજનરૂપે બાંટવા ખારા ડેમમાં માણાવદર શહેર માટે પાણીનો જથ્થો અનામત રાખવાનો મુદ્દો સર્વાનુમતે પસાર કરવામાં આવેલ છે. આ સિવાય પણ શહેરના વિકાસલક્ષી મુદ્દાઓ પૈકી હાલમાં જે વિકાસ કાર્યો ચાલુ છે તે આગામી સમયમાં બનતી ત્વરાએ પૂર્ણ કરવા નિર્ણય લેવામાં આવ્યો અને સરકારશ્રી તરફથી ફાળવવામાં આવતી વિકાસલક્ષી ગ્રાંટોના કામો સરળતાથી પૂર્ણ કરી શકાય તે માટેના મુદ્દા અન્વયે વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા બહુમતીથી મંજુરી કરવામાં આવેલ છે.

(11:46 am IST)