Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

વાંકાનેરમાં અંગુઠાના નિશાન મશીનમાં ન આવતા લોકો કેરોસીન અને રાશનથી વંચિત

વાંકાનેર, તા. ૨૦ :. શહેરના સસ્તા અનાજની દુકાનો પરના અંગુઠાના ફીંગર મશીનમાં અને સરવરના લોચાને કારણે રેશનકાર્ડમાં અંગુઠા નહી આવતા ગરીબ માણસો અનાજ અને કેરોસીનથી વંચીત રહેતા જીનપરા વિસ્તાર રહીશોએ આ વિસ્તારના નગરસેવીકાના પતિ અને મોરબી જીલ્લા કોળી સેનાના પ્રમુખ રમેશભાઈ મકવાણા સમક્ષ રજુઆત કરતા ગરીબ પ્રજાનો હક્ક છે તેવી રાશન સહિતની વસ્તુથી વંચીત રહે છે.

રમેશભાઈ અને આ વિસ્તારના કિશોરભાઈ, કલ્પેશભાઈ, કાનાભાઈ, મિતેશભાઈ, મશરૂભાઈ સહિતના લોકોએ આ બાબતે વાંકાનેર પ્રાંત અધિકારીશ્રીનું ધ્યાન દોરી તેઓ સમક્ષ લેખીત પત્ર પાઠવ્યો હતો.

રાશનની દુકાન પર કુપનમાં અંગુઠા નહીં આવતા મજુર અને ગરીબવર્ગ જરૂરી રાશન અને કેરોસીનથી વંચીત રહે છે. દુકાનદારો આ અંગે મામલતદાર ઓફિસે જવાનું જણાવતા હોય મામલતદાર ઓફિસ પણ ગામ બહાર હોય લોકોને મજુરી કામ બંધ રાખીને અંગુઠા માટે અહીં ધક્કા થતા હોય માટે ઘટતુ કરવા જણાવતા પ્રાંત અધિકારી અને પુરવઠા અધિકારીએ બે મશીન નવા મુકવા આદેશ કર્યો હતો તેમ રમેશભાઈ મકવાણાએ યાદીમાં જણાવ્યુ છે.

આ બાબતે મોરબી એસ.બી.એમ.એ હુકમ કરી તાત્કાલીક કાર્ડધારકોના અંગુઠાના નિશાન ન આવે તેને રજીસ્ટર બનાવીને સસ્તા અનાજના ડેપોવાળાઓએ કાર્ડ ધારકોને અનાજ, કેરોસીન આપવા અંગે ખાત્રી અપાતા આ અંગેની રજુઆત કરતા રમેશભાઈ મકવાણાએ નાયબ કલેકટર તથા પુરવઠા અધિકારીશ્રીઓ આભાર વ્યકત કર્યો હતો.

ના. કલેકટર જીજ્ઞાસાબેન ગઢવીએ તમામ સસ્તા અનાજના ડેપોવાળાઓને બોલાવી, મીટીંગ કરી સૂચના આપેલ કે, કોઈ કાર્ડધારકોને પરેશાની વેઠવી ન પડે તેઓને રાશન તથા કેરોસીન મળી રહે આ નિર્ણય બાદ કાર્ડ ધારકોમાં રાહતની લાગણી ફેલાય છે.

(11:36 am IST)