Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

કેશોદ વોર્ડ નં.૪ના કોંગ્રેસ કાર્યાલય ખુલ્લુ મુકતા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા

(કમલેશ જોષી દ્વારા)કેશોદ,તા. ૨૦: કેશોદમાં સ્થાનીક સ્વરાજય પાલીકાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચુંટણીના પ્રચારની જોરશોર થી શરૂઆત થઇ ચુંકી છે તેવા સમયે વોર્ડ નં ૪ માં આવેલ કોંગ્રેસ કાર્યાલયનું ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ રીબીન કાપી ખુંલ્લું મુકયું હતું. કાર્યાલય ખુલ્લું મુકતા પહેલાં ભુદેવ દ્વારા શાસ્ત્રોકત વીધી કરવામાં આવી હતી.

સભાની શરૂઆતમાં આમંત્રિતોનું ફુલહાર થી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપ આગેવાન હરેશભાઇ ડાંગર, કિશન ડાંગર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતાં. જયારે વોર્ડ નં ૪ ના ઉમેદવાર તરીકે અજીતસિંહ બાઘુભાઇ વેગડ, કીરીટ ગલાભાઇ ખાંભલા, જશુબેન શૈલેષભાઇ ડાંગર, મંજુલાબેન પોપટભાઇ ભુવા ચુંટણી લડી રહ્યા છે તેવા સમયે ગીર સોમનાથના ધારાસભ્યએ પેટ્રોલ અને ગેસના ભાવ વધારા તેમજ ખેડુતેેા દ્વારા ચલાવાતાં આંદોલનને યાદ કરી ભાજપથી લોકો ત્રાહિમામ બની કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે.

શહેર પ્રમુખ સમીરભાઇ પાંચાણીએ કહ્યું કે ભાજપ પાસે હવે કોઇ મુદ્દા રહ્યા નથી તેથી મતદાર કોંગ્રેસને જંગી બહુમતી થી જીતાડશે તેવો દાવો કરી શહેરના નાગરીકોને સારા રોડ રસ્તા, પીવાનું શુધ્ધ પાણી જેવી અનેક સુવિધા આપવા તૈયારી બતાવી હતી. આ તકે જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી, માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા, સ્થાનીક નેતા બાદ્યુભાઇ વેગડ, અશ્વિનભાઇ ખટારિયા સહિત જીલ્લા અને તાલુકાના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં કાર્યક્રમનું સંચાલન આર પી સોલંકીએ કર્યું હતું.

(12:37 pm IST)