Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

સુરેન્દ્રનગર જીલ્લામાં પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ ૧૩ હોદેદારો સસ્પેન્ડ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૨૦ :. સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત બસપા, આમ આદમી પાર્ટી અને એનસીપી સહિત અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે ત્યારે આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ મતદાન થવા જઈ રહ્યુ છે ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટીકીટ ફાળવણી મુદ્દે અન્યાય થયો હોવાનો અનેક જગ્યાએથી આક્ષેપ થઈ રહ્યો છે. તેમજ ભાજપ દ્વારા નવા નિયમોના કારણે વર્ષોથી સક્રિય હોય તેવા કાર્યકરોની અને હોદેદારોની ટીકીટ કાપવામાં આવી છે જે અંગે પણ ભાજપ સામે નારાજગી જોવા મળી રહી છે.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં ભાજપથી નારાજ અને ટીકીટ ન મળી હોય તેવા અનેક હોદેદારોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ તેમજ અન્ય પક્ષોમાં જોડાઈ ઉમેદવારી નોંધાવી છે ત્યારે નગરપાલિકા સહિત તાલુકા પંચાયતના અંદાજે ૧૩ જેટલા હોદેદારો સામે પ્રદેશ ભાજપે કડક કાર્યવાહી હાથ ધરી છે અને તમામ હોદેદારોને પક્ષમાં શિસ્તભંગ કરી અન્ય પક્ષ કે અપક્ષ ઉમેદવારી કરી ભાજપ સાથે દગો અને વિશ્વાસઘાત કરનાર હોદેદારો સામે પ્રદેશ ભાજપની સૂચનાથી જીલ્લા ભાજપ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને અંદાજે ૧૩ જેટલા હોદેદારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે ભાજપ દ્વારા કડક કાર્યવાહી કરતા ચકચાર મચી જવા પામી હતી.

(11:39 am IST)