Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ બારડને ઘરેથી બળપ્રયોગ કરી ઉપાડતા હોબાળો: એસ.પી.એ 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા

અટકાયતના સમાચાર વાયુ વેગે ફેલાતા વાતાવરણ તંગ: દરબાર ગઢ વિસ્તારમાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા : એસપીએ તાબડતોડ દોડી જઈને કાર્યવાહી કરી

જામનગર મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ બારડની આજે સાંજે કેટલાક પોલીસ કર્મીઓ તેના ઘર પાસેથી અટક કરી કોઈપણ કારણો વગર લઈ જતા હોવાની વાતને પગલે હોબાળો મચ્યો હતો.ભાજપના પદાધિકારીઓ આ ઘટનાને પગલે દરબાર ગઢ ખાતે સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.

 

              નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની અટકાયતના સમાચાર વાયુ વેગે ફેલાતા વાતાવરણ તંગ બની ગયું હતું. અને આકાશ બારડના સમર્થકો અને ખવાસ જ્ઞાતિના લોકોનો જમાવડો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા તાબડતોબ એસ.પી.શરદ સિંઘલ દોડી ગયા હતા.
મોડી રાત્રે દરબાર ગઢ વિસ્તારમાં આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. તાબડતોબ દોડી આવેલા એસ.પી.સમક્ષ જામનગર મહાનગરપાલિકાના મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષ જોશી ભાજપના કોર્પોરેટર કેતન નાખવા,મનીષ કટારીયા, દિનેશ ગજરા સહિતના આગેવાનો પણ દોડી ગયા હતા.
             આકાશ બારડને કોઈપણ કારણો વગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સમય સુચકતા અને માહોલ ન બગડે તે માટે એસ.પી.એ તાત્કાલિક સીટી.એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના મયુરસિંહ, અજય ચાવડા, ચંદ્રેશ પટેલ,ધર્મેશ પટેલ સહિત ચાર પોલીસ કર્મીને ખોટો બળ પ્રયોગ કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા. આ ઘટનાને પગલે આ મુદ્દો સમગ્ર જામનગર શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. (તસવીરો:કિંજલ કારસરીયા,જામનગર)

(11:01 pm IST)