Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

જામનગર મહાનગરપાલિકાનું ભોપાળુ : જેણે ટેકસ ભર્યો તેની દુકાન કરી સીલ

જામનગર,તા.ર :  મહાનગરપાલિકામાં એક ખૂબી શોધવા જઈએ તો તેર ખામીઓ મળે તેમ છે, વર્ષોથી કેટલાય આસામીઓ પાસેથી મનપાએ કરોડોનો ટેકસ વસુલાત કરવાનો બાકી છે, તેના માટે હમણાં છેલ્લા કેટલાક સમયથી ઝુંબેશ શરુ કરવામાં આવી છે, સારી બાબત છે આવી ઝુંબેશો અવિરત રહે તો જ મનપાની તિજોરીને આવક થાય. પણ ઉઘરાણીના ઉત્સાહમાં મનપાના કર્મચારીઓ અને અધિકારીઓ કેવું બુદ્ઘિનું પ્રદર્શન કરે તેનો એક દાખલો આજે જોવા મળ્યો.

જામનગરના મેહુલનગર એકસચેન્જ રોડની જયાં મોબાઈલ પ્લાઝા નામની દુકાન ચલાવતા સંજયભાઈ ચૌહાણ સવારે પોતાની દુકાને પહોચ્યા તો તેવો પોતાની દુકાન પર સીલ લાગેલ જોઇને આશ્યર્યમાં પડી ગયા, જે બાદ તેઓએ દુકાનના શટર પર ચોડેલી નોટીસ જોઈ તો તેમાં કોઈ મહિલા આસામીના નામનો ઉલ્લેખ હોવાનું તેવોને જોવા મળ્યું હતું, ખરેખર દુકાન તો ગોપાલભાઈ ચૌહાણના નામની છે, અને તેમના દ્વારા ગત છ જાન્યુઆરીના રોજ ૪૦૦૦ રૂપિયા મનપામાં રોકડા ભરપાઈ કર્યાની પાકી પહોચ પણ તેમની પાસે છે, છતાં દુકાન સીલ કરી દેવામાં આવતા આસામીએ આ અંગે મનપાની ટેકસ શાખાને જાણ કરી છે. પણ મનપાનું તંત્ર કઈ રીતે ચાલે છે તેનો આનાથી મોટો પુરાવો શું હોય શકે.

આ અંગે મનપાના આસી.કમિશ્નર ટેકસ જીગ્નેશ નિર્મલને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે આવું બને નહિ. છતાં પણ હું તપાસ કરાવું છું.

જે દુકાન પર નોટીસ અને સીલીંગની કાર્યવાહી કરવામાં આવી તે દુકાન ગોપાલભાઈ ચૌહાણના નામની છે, જયારે દુકાન પર ચોડવામાં આવેલ નોટીસ કોઈ મહિલા આસામીના નામની છે.

(3:42 pm IST)