Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

જુનાગઢમાં ર૬મીથી મિની કુંભ મેળાનો પ્રારંભ

પૂ. ભારતીબાપુ, પૂ. શેરનાથબાપુ સહિતના સંતો દ્વારા નિરીક્ષણ : વિજયભાઇ રૂપાણી, યોગી આદિત્યનાથ, પૂ. મોરારીબાપુ, સાધ્વી ઋતુંભરાદેવી સહિતના ઉપસ્થિત રહેશે

જુનાગઢઃ તસ્વીરમાં ૫૧ લાખ રૂદ્રાક્ષના શિવલિંગનુ નિર્માણ કાર્ય, પૂ.ભારતીબાપુ, પૂ.શેરનાથબાપુ, ડિરેકટર શૈલેષ દવે સહિતના વિવિધ કાર્યોનું નિરીક્ષણ કરતા નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢ તા.૨૦: ગરવા ગિરનારની ગોદમાં યોજાનાર ''શિવ મહા કુંભ''નો વિધિવત કાર્યક્રમ..જાહેર થયો છે જેમા તા.૨૬ ફેબ્રુઆરી થી ૪ માર્ચ દરમિયાન ૭ દિવસના મેળો યોજાશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સાધ્વી ઋતંભરાજી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વિશેષ હાજરી આપશે. મુખ્યમંત્રી ગાયક કૈલાશ ખેર, ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહીરના પ્રોગ્રામ યોજાશે તા.૨૬ ફેબ્રુ.એ બપોરે ૨ વાગ્યે ભૂતનાથથી ભવનાથ સુધી સંત યાત્રાનગર પ્રવેશ. તા.૨૭ ફેબ્રુના સવારે ૯ વાગ્યે ધ્વજારોહણ,૧૫ રૂદ્રાક્ષ શિવલિંગ પૂજન અને સાંજે લેશર શો..., તા.૨૮ ફેબ્રુ.ના સાંજે ૪ વાગ્યે ડમરૂ યાત્રા, લેશર શો અને રાત્રે સ્થાનિક કલાકારો..., તા.૧ માર્ચે યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, CM વિજય રૂપાણી અને રાત્રે કૈલાશ ખેર..., તા.૨ માર્ચ બપોરે ૩ વાગ્યે સાધ્વી ઋતંભરાજીની ધર્મ સભા, લેસર શો અને રાત્રે કિર્તીદાન ગઢવી, તા.૩ માર્ચ પૂ.મોરારીબાપુ અને અખાડાની ધર્મ સભા, મહા આરતી લેસર શો અને ભીખુદાન ગઢવીનો લોકડાયરો તથા તા.૪ માર્ચ લેસર શો તથા હાથી, ઘોડા સાથે રવેડી અને મૃગી કુંડમાં શાહી સ્નાન સાથે મેળો સંપન્ન થશે.

આ ધાર્મિક મેળાવડામાં આ વર્ષે દેશભરના સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનેકવિધ ગરિમાપૂર્ણ કાર્યક્રમો યોજાશે. ૨૬મી ફેબ્રુઆરીએ સંતયાત્રાથી આ શિવ મહાકુંભનો પ્રારંભ થશે અને ૪ માર્ચે મધરાતે રવેડી બાદ સાધુઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરે તે સાથે સમાપન થશે.

ગિરનાર શિવરાત્રી કુંભ મેળા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ભવનાથમાં આવતા લાખો યાત્રિકો માટે વિશેષ સુવિધા ઊભી કરાઇ છે. મહાશિવરાત્રીના મેલો વિધિવત તો ૨૭ માર્ચ સવારે ૯ કલાકે ધ્વજારોહણ સાથે શરૂ થશે પરંતુ એ પુર્વે ૨૬ ફેબ્રુઆરીના બપોરે ૩:૦૦ કલાકથી જુનાગઢના રાજમાર્ગો પર સંત નગર યાત્રા શરૂ થશે. ભૂતનાથથી ભવનાથ સુધીની આ યાત્રામાં સંતો મહંતો તેમજ અગ્રણીઓ આ ઉપરાંત ઋષિકુમારો અને સેવાભાવી નાગરિકો અને યાત્રાળુઓ જોડાશે.

૨૭ ફેબ્રુઆરીના રોજ ધ્વજારોહણ બાદ ભારતી આશ્રમ ખાતે ૫૧ લાખ રૂદ્રાક્ષના શિવલિંગના દર્શનનો પ્રારંભ થશે.આ ઉપરાંત ભવનાથમાં આવેલા ભવનાથ તરીકે નામ કરણ કરાશે. મેળા દરમિયાન રોજ સાંજે ગિરનાર અને શિવરાત્રીના મેળાના મહત્વને રજુ કરતો આકર્ષક લેસર શો પ્રદર્શિત કરાશે. ૧, ૨, ૩ માર્ચના બપોરે ૩ થી ૭ ધર્મસભા તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ સ્થાનિક કલાકારો દ્વારા અને બીજા દિવસે રાજ્યકક્ષાના કલાકારો તેમજ ત્રીજા દિવસે રાષ્ટ્રીય કક્ષાના કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવશે. ગાયક કલાકારો કૈલાશ ખેરના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત ભવનાથમાં અને જૂનાગઢના માર્ગો પર ડમરૂ યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. ૪ માર્ચના રોજ ભવ્ય રીતે રવેડી નિકળશે. જેમાં હાથી, ઘોડા તેમજ ધર્મ ધ્વજાઓ, પુષ્પવર્ષા, બેન્ડવાજા, અખાડાના સંતો સાથે શાહી સ્નાનનો કાર્યક્રમ થશે. આ સમગ્ર કાર્યક્રમ-યાત્રા લાખો યાત્રિકો શાંતિપૂર્ણ રીતે જોઈ શકે અને તેના દર્શન કરી શકે તે માટે મહાનગપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી આયોજન કરાશે.

પ્રકૃતિ ધામ ખાતે મુખ્ય કાર્યક્રમો યોજવામાં આવશે. મેળામાં સ્વચ્છતાને ખાસ અગ્રતા આપવામાં આવશે. ભવનાથ અને ઝોનમાં વહેંચી તેના પર કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવશે. ભવનાથ વિસ્તારમાં ૧૦૦થી વધુ ટેન્ટ બનાવવામાં આવી રહ્યા છે. ઉતારા મંડળોને મફત વીજળી અને પાણી આપવામાં આવશે.

મહામંડલેશ્વર, ગિરનાર યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેકટર ભારતીબાપુએ જણાવ્યુ કે 'પ્રયાગરાજ કુંભમેળા બાદ અહીં મીનીકુંભ હોવાથી મોટી સંખ્યામાં સાધુ-સંતો આવશે. ધર્મ સંસદમાં યોગી આદિત્યનાથ, સાધ્વી ઋતંભરા, મોરારીબાપુ અને અન્ય સંતો વર્તમાન સમસ્યાઓ તથા તેના સમાધાન વિશે પ્રવચન આપશે. જૈન સંપ્રદાય સહિતના સંતોને નિમંત્રણ અપાયુ છે અને સર્વધર્મ સમભાવ જેવું આયોજન છે. ૨૭ ફેબ્રુઆરીએ સંભવતઃ રાજ્યપાલ ઓ.પી. કોહલીની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરાશે.

મીની કુંભ મેળાનુ કાલે.પૂ.ભારતીબાપુ, પૂ.શેરનાથબાપુ, યાત્રાધામ વિકાસ મંડળના ડિરેકટર શૈલેષ દવે સહિતનાએ વિવિધ કામનુ નિરીક્ષણ કર્યુ હતું.

(12:11 pm IST)