Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

કાલે થાનગઢમાં પૂ. મોરારીબાપુના હસ્તે શાળાઓમાં નૂતન સુવિધાઓનું લોકાર્પણ

પુરૂષોતમ રૂપાલા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શાહબુદીન રાઠોડ ઉપસ્થિત રહેેશેઃ હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી પરિવાર દ્વારા સેવાકાર્ય

વઢવાણ તા. ર૦ : જાણીતા હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદીએ પોતાના જીવનના પચાસ વર્ષ પુરા કરી સંકલ્પ કર્યો છે કે તેઓ આજીવન પોતાના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક જરૂરીયાતમંદ લોકોના આરોગ્ય અનેશિક્ષણ પાછળ દાન કરશે. આ શુભ સંકલ્પ નિમિત્તે તેમણે થાનગઢની બે સરકારી પ્રાથમીક શાળામાં ત્રણ-ત્રણ વર્ગખંડ, પ્રાર્થના હોલ, ટોયલેટ, કમ્પાઉન્ડ વોલ અને વોટરકુલર જેવી સુવિધાઓ પાછળ આશરે પચીસ લાખ જેટલી રકમનો ખર્ચકર્યો છે.

જે પ્રાથમીક શાળા નં. ૬ તથા શાળા નં. ૭ની નૂતન સુવિધાઓનું લોકાર્પણ કરવા તથા પ્રાથમીક શાળા નં.૬ને માતુશ્રી ઉર્મિલાબેન લાભશંકર ત્રિવેદી તથા શાળા નં.૭ને માતુશ્રી સરોજબેન હિંમતલાલ ત્રિવેદી એવું નામકરણ કરવા માટે વિશ્વવંદનીય સંત શ્રી મોરારિબાપુ, કેન્દ્રીય રાજયમંત્રી પુરૂષોતમ રૂપાલા તથા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા થાનગઢ આવતીકાલે પધારી રહ્યા છે.

કાલે તા.ર૧ ને ગુરૂવાર સવારે બન્ને શાળાઓમાં ઉદ્દઘાટન કરી સવારે ૧૦ થી ૧ર થાનગઢ મ્યુનિસિપલ હાઇસ્કુલના મેદાનમાં આ ઉદ્દઘાટન નિમિતે જાહેર કાર્યક્રમ યોજાયો છે તેમાં આ ત્રણે મહાનુભાવો સાથે શાહબુદીન રાઠોડ અને જગદીશ ત્રિવેદી પણ પ્રસંગોચિત પ્રવચન કરનાર છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થાનગઢ નગરપાલિકા, હાઇસ્કુલ તથા સેવાભાવી સંસ્થાઓ જહેમત ઉઠાવે છે.(૬.૧૦)

 

(12:03 pm IST)