Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

'ઇફકો'ના ચેરમેન પદે દિલીપભાઇ સંઘાણીની વરણીથી અમરેલી જિલ્લામાં હરખની હેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૦ : ખાતર ઉત્પાદન કરતી વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા 'ઈફકો'ના ચેરમેન તરીકે અમરેલીના ખેડુત પુત્ર પુર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણીની વરણીને જીલ્લા ભાજપ અને સહકાર પરિવારે સરકારશ્રીની સંપુર્ણ ગાઈડલાઈન મુજબ ઉજવણી કરીને આવકારી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની પ્રથમ વખત ઈફકોના ચેરમેન તરીકેની વરણીને બિરદાવી અભિનંદન પાઠવ્યા. સંઘાણીને અભિનંદન પાઠવતા અમિતભાઈ શાહે જણાવેલ કે દિલીપ સંઘાણીની ઈફકોમાં નિમણુંકથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન 'સહકારથી સમૃઘ્ધી' ચરિતાર્થ થશે.

કેન્દ્રીયમંત્રીઓ મનસુખભાઈ માંડવીયા અને પરશોતમભાઈ રૂપાલાએ દિલીપની સંઘાણીની સમાજ ઉપયોગી સહકારી પ્રવૃતિ છેવાડાના માનવીઓને લાભાન્વિત કરનારી બનશે તેમ જણાવેલ.

ગુજરાત પ્રદેશાઘ્યક્ષ સી.આર.પાટીલે જણાવેલ સૌનો સાથ સૌનો વિકાસ દિલીપભાઇ સંઘાણી ચરિતાર્થ કરી રહયા છે અને તેમાં એક ગુજરાતી અને ભાજપના પાયાના કાર્યકર્તા તરીકેનું ગૌરવ છે.

જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજયેલ અભિવાદન કાર્યક્રમમાં બોલતા અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયાએ જણાવેલ કે કેટલાય કઠોર પરિશ્રમ, દિર્ધદ્રષ્ટી અને ધરતીપુત્રોને ઉપયોગી થવાની ભાવના સાથે સહકારી ક્ષેત્રમાં કરેલ પ્રવેશ આજે વિશ્વની સૌથી મોટી સંસ્થાને માર્ગદર્શન પુરૂ પાડશે તે માત્ર અમરેલી જીલ્લાનું જ નહી સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય કારણ કે આ પદ પર પ્રથમ વખત જ એક ગુજરાતી પદભાર સંભાળી રહયા છે જોગાનુજોગ એન.સી.યુ.આઈ. પછી આ ઈફકો સંસ્થા છે કે જે બન્ને સંસ્થામાં દિલીપ સંઘાણી ચેરમેનપદે બિરાજે છે.

આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ યુવા નેતા કૌશિક વેકરીયાએ જણાવેલ કે સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસની પકડને ખાળવાનું કામ દિલીપ સંઘાણીની કોઠા સુજે કરેલ છે. સહકારીક્ષેત્રમાં પારદર્શક વ્યવહાર અને છેવાડાના માનવી સુધી સહકારી પ્રવૃતિથી લોકપયોગી કાર્યો કરવાની નેમ એક પછી એક સહકારી સંસ્થાઓમાં પુરી પાડી રહેલ છે.  ખેડુત પુત્રની કોઠા સુઝનો લાભ હવે વિશ્વની સહકારી સંસ્થાઓને પણ મળશે જે આપણુ ગૌરવ છે.

જીલ્લા બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલે જણાવેલ હતુ કે દિલીપ સંઘાણીના માર્ગદર્શને કેટલીયે ભાંગી પડેલી સહકારી સંસ્થાઓને બેઠી કરી છે એટલુ જ નહી ખેડુતોના અટવાયેલા નાણાં પણ પરત અપાવ્યા છે. સહકારી સંસ્થાઓમાં સહકારનું બિજ આજે વટવૃક્ષ બનીને દિલ્હીમાં ફેલાયેલુ છે.

આ સમારોહમાં કૌશિક વેકરીયા, અશ્વિનભાઈ સાવલીયા, અરૂણભાઈ પટેલ, અમર ડેરીના એમ.ડી. ડો.આર.એસ.પટેલ, જિલ્લા બેંકના મેનેજર સી.ઈ.ઓ. બી.એસ.કોઠીયા, એડીશ્નલ જનરલ મેનેજર અશોકભાઈ ગોંડલીયા, ભુપેન્દ્રભાઈ બસીયા, રાજેશભાઈ કાબરીયા, નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણી, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જલ્પેશભાઈ મોવલીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ દિલીપ સાવલીયા, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસીયા, ધીરૂભાઈ વાળા, અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશ સોઢા, રાજેશ માંગરોળીયા સહિત જિલ્લા ભાજપ પરિવાર–સહકાર પરિવાર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા તેમ જીલ્લા ભાજપ કાર્યાલયની યાદીમાં જણાવેલ છે.

(1:14 pm IST)