Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

પાકિસ્તાન સરહદેથી ઝડપાયેલ જુનાગઢમાં ફુલેકુ ફેરવનાર પિતા-પુત્રના રિમાન્ડની તજવીજ

પોસ્ટ ઓફિસના બચત સલાહકારના નામે રૂ. ૩પ.૮૯ લાખની છેતરપીંડી કરનાર ભરત પરમાર અને તુષાર પરમારના કોરોના ટેસ્ટ કરાશે

પ્રથમ તસ્વીરમાંં ઝડપાયેલ પિતા-પુત્ર અને બીજી તસ્વીરમાં પોલીસ ટીમ નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ) (૯.૧૭)

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ૨૦ :. પાકિસ્તાનની સરહદ પાસેથી પકડાયેલ જૂનાગઢના બચત સલાહકાર પિતા-પુત્રના કોરોના ટેસ્ટ માટેની તજવીજ હાથ ધરી છે.

જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમશેટીએ પત્રકાર પરિષદમાં જણાવેલ કે, જૂનાગઢમાં રહેતા બચત સલાહકાર ભરત પરમાર (ઉ.વ. ૫૫) અને તેના પુત્ર તુષાર (ઉ.વ.૨૫) સામે રોકાણકાર વેજાણંદભાઈ ભટ્ટએ સી-ડિવીઝનમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવેલ કે બન્ને પિતા-પુત્ર વિશ્વાસમાં લઈ પોસ્ટ તથા અન્ય જગ્યાએ રોકાણ કરાવી પોસ્ટ વિભાગની ખોટી બુકો તથા પહોંચો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી રૂ. ૩૫.૮૯ લાખની ઠગાઈ કરી વિશ્વાસઘાત કર્યો હતો. આ સિવાય પણ અનેક રોકાણકારોના કરોડો રૂપિયાની છેતરપીંડી પિતા-પુત્રએ કરી હોવાનું પોલીસને માહિતી મળી હતી. જો કે ગુનો નોંધાતા બન્ને ભુગર્ભમા ચાલ્યા ગયા હતા.

અત્રેને ઝડપી લેવા એલસીબીની ટીમે તેમના સંબંધીઓની પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન પીઆઈ એચ.આઈ. ભાટીને ખાનગીરાહે બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમ બનાસકાંઠાના થરાદ ખાતે પહોંચી હતી. જ્યાં માહિતીની આધારે પાકિસ્તાન સરહદથી ૨૦ કિ.મી. નજીક આવેલ બનાસકાંઠાના વાવ તાલુકાના અસારા ગામના વાડી વિસ્તારમાં છુપાયેલ ભરત પરમારને ઝડપી લીધેલ. ત્યાર બાદ તેના પુત્ર તુષારને થરાદ-સંચાર હાઈવે પરની સોમનાથ સોસાયટી ખાતેથી ઝડપી લીધા બાદ બન્નેને જૂનાગઢ લઈ આવી પૂછપરછ શરૂ કરી હતી.

જેમાં  ભરત પરમાર અને તુષારએ કબુલાત કરતા જણાવેલ કે સને ર૦૦૭ થી ર૦૧૬ દરમિયાન તેઓ શેરબજારોમાં ઇન્ટ્રા ડે લે-વેચ અને કોમોડીટીના સોદાઓમાં ખાનગી ફાયનાન્સરો પાસેથી ઉંચા વ્યાજે પૈસા લઇ તેમજ પર્સનલ મકાન તથા ઓફીસ લોન લઇ નાણા મેળવી શેરબજારમાં શેરની લે-વેચ કરતા હતા જે સમયગાળામાં આશરે ત્રણ કરોડનું નુકશાન થયેલ હતું. વર્ષ ર૦૧૪ થી ર૦ર૦ દરમિયાન પોતાના પોસ્ટના ગ્રાહકો જે ફિકસ ડીપોઝીટમાં રોકાણ કરવા માંગતા હોય તેઓને ટાટા બીરલા, કોટક તથા પીએનબી કંપનીમા ફિકસ ડીપોઝીટના ખોટા સર્ટીફીકેટ બનાવી રોકાણની રકમનો અંગતઉપયોગ કરતા હતા જે ફિકસ ડીપોઝીટ પાકતી મુદતે રોકાણકારોને બહારથી વ્યાજે પૈસા લાવી ચુકવી ડુપ્લીકેટ સર્ટીફીકેટનો નાશ કરતા હતા.

બન્ને ઠગ પિતા પુત્રને ઝડપવામાં એલસીબીના પીઆઇ એચ.આઇ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા, ડી.એમ.જયુ, સ્ટાફના પી.એન.બડવા, વી.કે.ચાવડા, જીતેષ મારૂ, નિલકુલ પટેલ, દિપક બડવા, દિવ્યેશ ડાભી, સાહીલ સમા, ભરત સોલંકી, જયદીપ કનેરીયા, કરશન કરમટા, દિનેશ કરંગીયા, ભરત સોનારા, દેવશી નંદાણીયા, ભરત ઓડેદરા, ડાયાભાઇ કરમટા સહીતના તપાસમાં જોડાયા હતા.

દરમ્યાન તપાસનીશ સી ડીવીઝનના પીએસઆઇ પીએસઆઇ પી.જે.બોદરે પિતા-પુત્રના કોરોના ટેસ્ટ માટેની તજવીજ હાથ ધરી છે.જે અંગેનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને બંન્નેનું વધુ તપાસ પુછપરછ માટે રીમાન્ડ ઉપર પણ મેળવવામાં આવશે.

(1:06 pm IST)