Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ગોંડલના માત્ર આઠ વર્ષના વંદનની સમજણ ખરેખર વંદનને લાયક : દુઃખદ પ્રસંગે ઘરે જે સ્નેહીઓ આવ્યા એમની પાસે ઝોળી માંગી

તુષારભાઈ દર વર્ષે અક્ષર મંદિર માટે સંક્રાંતના દિવસે ઝોળી માંગવા જતા હતા વંદને આ વાત યાદ કરીને કહ્યું કે પપ્પાનું આ કામ આપણે ચાલુ રાખવું છે.

 (જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.૨૦ : ગોંડલમાં રહેતા માત્ર ૮ વર્ષની ઉંમરના વંદન ના પિતા તુષારભાઈ ઠુમર ઉ.વ ૩૮નું ગત તા.૧૨મી જાન્યુઆરીના રોજ યુવાન વયે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું. સવારે દુકાને ગયેલા તુષારભાઈ બપોરે ઘરે આવ્યા, જમીને સુતા, થોડીવાર પછી છાતીમાં દુખાવો ઉપાડ્યો, પત્ની અને દીકરા-દીકરીને પાસે બોલાવ્યા અને થોડી જ ક્ષણોમાં હૃદયરોગના જીવલેણ હુમલાએ એમના પ્રાણ હરિ લીધા.

તુષારભાઈ અને એમના પત્ની બંને બીએપીએસના કાર્યકર. નાનો વંદન પણ બાળ સંસ્કાર કેન્દ્રમાં જાય. પરિવાર પર અચાનક આવી પડેલા દુઃખથી હતભ્રત થઈ ગયેલા તુષારભાઈના પત્ની તુષારભાઈના પાર્થિવ શરીર પાસે આક્રંદ કરતા હતા ત્યારે નાનકડો વંદન એના મમ્મી પાસે ગયો. મમ્મીની આંખોના આંસુ લૂછતાં આ બાળક એના મમ્મીને કહે 'મમ્મી આપણે બધા સત્સંગ કરીએ છીએ, સભામાં જઈએ છીએ, -વચનો સાંભળીએ છીએ એ બધાની ફલશ્રુતિ શુ ? જો આવા સમયે આપણે સમજણ નહીં રાખીએ તો સત્સંગનો શુ અર્થ ? પપ્પા ગયા એટલે દુઃખ તો થાય પણ એ ભગવાનના ધામમાં જ ગયા છે એ સમજીએ તો દુઃખ હળવું થઈ જાય. આપણે રડીશું તો પપ્પા દુઃખી થશે.'

વંદન એની બહેન સાથે સ્મશાને ગયો અને બહેનભાઈ બંનેએ પિતાને અગ્નિદાહ આપ્યો. ઘરે પરત આવીને બંને ભાઈ બહેને મમ્મીને સમજાવીને જમાડ્યા. વંદન બળની વાતો કરતો જાય અને બહેન મમ્મીના મોઢામાં ચમચી મુકતી જાય.

બે દિવસ પછી સંક્રાંત આવી. તુષારભાઈ દર વર્ષે અક્ષર મંદિર માટે સંક્રાંતના દિવસે ઝોળી માંગવા જતા. વંદને આ વાત યાદ કરીને કહ્યું કે પપ્પાનું આ કામ આપણે ચાલુ રાખવું છે. કોરોનાના કારણે બહાર તો ન જઇ શકાય પરંતુ આ દુઃખદ પ્રસંગે ઘરે જે મહેમાનો આવ્યા હોય એમની પાસે આ બાળકે ઝોળી માંગી અને એમના મમ્મીને કહ્યું કે તમે ઘરે જે મહિલાઓ આવ્યા છે એમની પાસે ઝોળી માંગો. બંને મા-દીકરાએ ઝોળીમાં મળેલી ભેટની રકમ મંદિરે પહોંચતી કરી.

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ.મહંત સ્વામી મહારાજને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓએ સામેથી ફોન કરીને બાળકને આશીર્વાદ આપ્યા અને આટલી નાની ઉંમરે આવી મોટી સમજણ બદલ પોતાનો રાજીપો વ્યકત કર્યો. મહંતસ્વામી મહારાજે 'સત્સંગ દીક્ષા' નામનો એક ગ્રંથ લખ્યો છે જેમાં ૩૧૫ સંસ્કૃત શ્લોકો છે. ૮ વર્ષની ઉંમરના વંદને ૩૧૫ સંસ્કૃત શ્લોક ગુજરાતી ભાવાર્થ સાથે કંઠસ્થ કર્યા છે.

(11:53 am IST)