Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

રાજકોટના દિનેશ રામાણીનું તરઘડીયામાં પોતાની વાડીના કૂવામાં પડી જતાં મોત

બાજુની વાડીના મજૂરને જાણ થતાં સરપંચને જાણ કરીઃ ત્રણ બહેનનો એક જ ભાઇ હતોઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૦: શહેરના મોરબી રોડ પર ગોકુલધામ સોસાયટીમાં રહેતો દિનેશભાઇ વિરજીભાઇ રામાણી (ઉ.વ.૩૭) કુવાડવાના તરઘડીયા ગામે ખેરડી જવાના રોડ પર આવેલી પોતાની વાડીના કુવામાં પડી જતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

દિનેશભાઇ સાંજે વાડીના કૂવામાં પડી જતાં મજૂરને જાણ થતાં તેણે સરપંચ રજનીભાઇ પરસાણાને જાણ કરતાં તેમણે તાકીદે ૧૦૮ને જાણ કરી હતી અને ઘટના સ્થળે દોડી ગયા હતાં. લોકોએ દિનેશભાઇને બેભાન હાલતમાં બહાર કાઢતાં ૧૦૮ના ઇએમટી પિયુષભાઇ ધોળકીયાએ તેને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

બનાવની જાણ કન્ટ્રોલ ઇન્ચાર્જ જે. એન. ખાચર મારફત થતાં કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ એન. આર. વાણીયા સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ દિનેશભાઇ વાડીએ આટો મારવા અવાર-નવાર આવતાં હતાં. અકસ્માતે પડી ગયાની શકયતા છે. આમ છતાં બનાવ બીજી કોઇ રીતે તો નથી બન્યો ને? તે અંગે તપાસ યથાવત રાખવામાં આવી છે.

દિનેશભાઇ ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો. ખેતી કરવા સાથે ભઠ્ઠીમાં ડાઇ બનાવવાનું કામ પણ કરતો હતો. બનાવને પગલે રામાણી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:48 am IST)