Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી નજીક છે ત્યારે હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે આપ્યુ઼ રાજીનામુઃ રાજકીય ગરમાવો

કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું: જટુભા ઝાલા

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨૦: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના પડદ્યમ વાગી રહ્યા છે. ત્યારે હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે એકાએક રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જો કે રાજીનામું ધરી દેનાર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે હું બીજા કોઈ પક્ષમાં જોડાવાનો નથી, પક્ષમાં છું અને પક્ષમાં જ રહેવાનો છું. બધી જગ્યા ઉપર પહોંચી ન વળવાને કારણે રાજીનામું આપ્યું છે.

હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જટુભા ઝાલા પાછલા થોડા મહિનાઓથી પ્રમુખપદની જવાબદારી નિભાવી રહ્યા હતા. જટુભા ઝાલા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અથાક પ્રયત્નો પણ કરતાં હતા. જટુભા ઝાલા એક અગ્રણી નેતા છે. સાથે જ એક સ્વચ્છ છબી પણ ધરાવે છે. એટલા માટે તેઓને હળવદ કોંગ્રેસના પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા હતા પરંતુ તેઓ દ્વારા એકાએક રાજીનામું ધરી દેતા તરેહ-તરેહની ચર્ચાઓ વહેતી થઇ છે. સાથે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માથે છે તેવા સમયે જટુભા ઝાલાએ રાજીનામું ધરી દેતા રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.

કોંગ્રેસમાં જ છું સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છેઃ જટુભા ઝાલા

હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેનાર જટુભા ઝાલાએ જણાવ્યું હતું કે હાલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માથે છે. જેથી, જવાબદારીઓ પણ વધી જતી હોય છે. જેથી, મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. હું કોંગ્રેસ પક્ષમાં છું અને કાયમી માટે રહેવાનો પણ છું. આવનારા દિવસોમાં અમારા પક્ષ દ્વારા જે પણ નવા પ્રમુખની નિમણૂક કરે, તેઓની સાથે રહી આવતા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થાય તેવા પ્રયાસો કરીશું.

જયારે હળવદ તાલુકા કોંગ્રેસના પ્રમુખના રાજીનામાંથી કોંગ્રેસના કાર્યકરોમાં અંદરખાને એવી ચર્ચા થઈ રહી છે કે એક કર્મનિષ્ટ કોંગ્રેસ આગેવાનના રાજીનામાંથી અને તેમની જગ્યાએ કહેવાતા આગેવાનો આવશે તો પક્ષને નુકશાન થશે.

(11:42 am IST)