Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

લીંબડી - સાયલા - ચોટીલા, વિંછીયા તાલુકાઓને જોડતા નાનામાત્રા - કસવાળી - ઢીંકવાળી - ધજાળા સુધીના રસ્તાનું કામ મંજુર

બે જિલ્લા - ચાર તાલુકાને જોડતો વરસો જુનો પ્રશ્ન ધારાસભ્ય કિરીટસિંહ રાણા પ્રભારી મંત્રી કુંવરજીભાઇના પ્રયત્નથી ઉકેલાયો

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૨૦ : લીંબડી - સાયલા વિધાનસભા મત વિસ્તાર હેઠળના વિંછીયા (જિ. રાજકોટ) તાલુકાના નાનામાત્રા - કસવાળી - ઢીંકવાળી - ધજાળાને જોડતા વરસો જુના અતી બિસ્માર હાલતમાં રહેલા કામને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જોબ નંબર ફાળવ્યા છે.

અંદાજે ૧૨ કિ.મી. લંબાઇનો સાંકડા રસ્તાના કામને પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના-૩ હેઠળ બનાવવા માટે જોબ નંબર ફાળવવામાં આવતા બે જિલ્લા - તાલુકાને જોડતા વરસો જુના પ્રશ્ન સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને લીંબડી - સાયલાના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના પ્રયત્નથી ઉકેલાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાને સ્પર્શતા નાનામાત્રા, કસવાળી, ઢીંકવાળી, ધજાળાના સાંકડા રોડની પહોળાઇ ૩.૭૫ મીટરમાંથી વધારી ૫.૫૦ મીટર પહોળો કરવા સાથે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૫૯૪.૪૫ લાખની રકમને મંજુર કરવામાં આવી છે.

મંજુર કરવામાં આવેલ કામના અંદાજપત્રક સહીતની ટેકનીકલ - વહીવટી પ્રક્રિયાઓ તાત્કાલિક હાથ ધરવા માટે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ (માર્ગ અને મકાન વિભાગ) દ્વારા સુચનાઓ આપવામાં આવતા આગામી સમયમાં રસ્તાની કામગીરી થતાં ચોટીલા, સાયલા તરફ જતા બે જિલ્લા અને ચાર તાલુકાના ખેડૂત સહિતના વાહન ચાલકોમાં આનંદની લાગણી છવાઇ છે.

(11:42 am IST)