Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

હળવદના માનગઢ-ટીકર વચ્ચે બેફામ દોડતા વાહનો બંધ કરાવવા મુખ્યમંત્રીને રજૂઆત

માનગઢના સ્કુલે જતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલી પડે છે

હળવદ તા.૨૦ : તાલુકા ના માનગઢ ગામની પાસે આવેલ બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદેસર રીતે ચાલતી ખનીજ ચોરીને ડામોર માનગઢ અને ટીકરના ગ્રામજનો દ્વારા અવારનવાર લેખિત રજૂઆત કરાઇ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ રસ્તા પરથી પસાર થતા ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ કરાઇ છે.

હળવદ તાલુકાના માનગઢ અને ટીકર ગામ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ખનીજ માફિયાઓએ આંતક મચાવ્યો હોય તેમ ઓવરલોડ વાહન ભરી માતેલા સાંઢની જેમ પસાર થતા હોય છે ત્યારે માનગઢ અને ટીકર વચ્ચેના રોડ પર મસમોટા ગાબડા પડી ગયા હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

 સાથે જ હળવદ અને ટીકરની શાળામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને અપ ડાઉન કરવા માટે ભારે હાલાકીનો ભોગવવી પડે છે જે આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતા વિદ્યાર્થીઓને નાછૂટકે આંદોલન કરવાની ફરજ પડશે તો તેની જવાબદારી તંત્રની રહેશે તેવી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું. ઉપરાંત આ ઓવરલોડ વાહનોને રોકવાનો ગ્રામજનો દ્વારા પ્રયત્ન કરાતા જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનું પણ ઉમેર્યું હતું. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ તંત્ર દ્વારા લાવવામાં આવે તેવી માનગઢ ગામના રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે.

(12:06 pm IST)