Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ગાંધીધામ સંકુલની જમીનની ટ્રાન્સફર ફી માં ૯૮ ટકા ઘટાડોઃ શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ વચન પાળ્યું

ડીપીટીના ચેરમેન એસ.કે. મેહતાની જાહેરાતને ગાંધીધામ ચેમ્બર્સ દ્વારા આવકાર, ૨૯૦૦૦ લીઝધારકોને ફાયદો

ભુજ,તા.૨૦:  છેલ્લા ઘણા વર્ષોથી દિન દયાળ પોર્ટ (કંડલા પોર્ટ) હસ્તકની જમીનોની લીઝની ટ્રાન્સફર ફી ને મુદ્દે ફેરવિચારણા કરવા માટે ગાંધીધામ ચેમ્બર્સ દ્વારા ચલાવાતી લડાઈ અને માંગણીનો અંત આવ્યો છે. આ પ્રશ્ને વારંવાર દિલ્હી સુધી રજુઆત થતી રહી હતી. કંડલા બંદરે કાર્યક્રમમાં આવતા શિપિંગ મંત્રી, સચિવો સુધી પણ લીઝ ના મુદ્દે ફેરવિચારણા કરવા માટે રજૂઆતો કરાઈ હતી. જોકે, છેલ્લે છેલ્લે શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા સમક્ષ પણ તેમની કંડલા ગાંધીધામની મુલાકાત દરમ્યાન રજુઆત કરાઈ હતી. જોકે, હવે વર્ષો જૂની આ મુશ્કેલીનો હવે અંત આવ્યો છે. આજે દિન દયાળ પોર્ટના ચેરમેન એસ.કે. મેહતાએ ગાંધીધામ ચેમ્બર્સના આગેવાનોની ઉપસ્થિતિમાં આ અંગે જાહેરાત કરાઈ હતી. તે અનુસાર લીઝની રકમ ૯૮ % ઘટાડી દેવામાં આવી છે. અત્યાર સુધી પ્લોટ ટ્રાન્સફર માટે બજાર કિંમત પ્રમાણે દસ્તાવેજની રકમ અને તેના ઉપર એટલીને એટલી જ રકમ ૧૦૦ %ખરીદનારના નામ ઉપર લીઝ ટ્રાન્સફર માટે ચુકવવાની થતી હતી.એટલે લેનારને આ મિલકત ૨૦૦% કિંમતમાં પડતી હતી. આટલા જંગી ચાર્જને કારણે જમીનોના સોદા થયા પછી પણ ટ્રાન્સફર ફી ના કારણે મુશ્કેલી થતી હતી. લીઝની રકમ ૯૮% ઘટાડવાની આ જાહેરાત અનુસાર હવે થી ટ્રાન્સફર ફી માત્ર ૨ % જ પડશે. આ જાહેરાતને સૌએ વધાવી લીધી છે. આનો ફાયદો ૨૯૦૦૦ લીઝ ધારકોને થશે. ચેમ્બર્સ વતી પ્રમુખ અનિલ જૈન અને અન્ય આગેવાનોએ આ નિર્ણયને વધાવી લીધો હતો. શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ ગાંધીધામ સંકુલના લોકોને આપેલું વચન પાળ્યું છે.

(11:51 am IST)