Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ગોંડલ અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવનો ભવ્યતાથી પ્રારંભ

અક્ષર દેરીના નવા સ્વરૂપનું લોકાર્પણ યોગીજી મહારાજ સ્મૃતિ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, વિશ્વશાંતિ માટે વિરાટ મહાપૂજા, જીવન-ઉત્કર્ષ માટે પ્રદર્શન, રકતદાન શિબિર, વ્યસનમુકિત સહિત ૩૦મી સુધી અનેકવિધ કાર્યક્રમો

ગોંડલ : આજથી અક્ષર મંદિરે પૂ. મહંત સ્વામીની અધ્યક્ષતામાં સાર્ધ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તકે રાજ્યમંત્રી જયેશભાઇ રાદડિયા તથા સંતો અને હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

 

ગોંડલ તા. ૨૦ : ગોંડલમાં આજથી અક્ષર મંદિર, રાજકોટ રોડ ખાતે અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવનો શુભારંભ થયો છે. આજે સવારથી સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં પૂજન - અર્ચન સાથે આ મહોત્સવ શરૂ થયો છે.

 

આ અક્ષર દેરી સાર્ધ મહોત્સવમાં સોમવારે રાષ્ટ્રપતિશ્રી, રામનાથ કોવિંદ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સહિતના ઉપસ્થિત રહેશે.

ગોંડલના વિશ્વપ્રસિદ્ઘ અક્ષરમંદિરમાં સ્થિત અક્ષરદેરીને (અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના અંત્યેષ્ટિવિધિના સ્થળ પર નિર્મિત સ્મારકને) ૧૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ નિમિત્ત્।ે અહીં અગિયાર  દિવસીય ભવ્ય કાર્યક્રમો રજૂ થનાર છે. દેશ-પરદેશથી લાખો ભાવિકો આ ઉત્સવમાં સહભાગી થવા પધાર્યા છે.

બીએપીએસ સંસ્થાના પ્રમુખ પદે બિરાજમાન પરમ પૂજય મહંત સ્વામી મહારાજ ગોંડલ ખાતે આવી પહોંચ્યા છે. અહીં થનાર વિવિધ કાર્યક્રમોમાં તેમનાં દર્શન અને આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે.

ખૂબ મોટી સંખ્યામાં પધારનાર હરિભકતોની વ્યવસ્થા માટે વિવિધ સેવા વિભાગોનું આયોજન થયું છે. આ મહોત્સવમાં કુલ ૩૨ સેવાવિભાગોની રચના કરવામાં આવી છે. મંદિરની પાછળ આવેલ ૨૦૦ એકર  વિશાળ ભૂમિને સમતલ કરીને સભા સ્થળ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો છે. આ મહોત્સવને સફળ બનાવવા માટે હજારો સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ ખડે પગે સેવામાં ઊભા છે. આજુબાજુનાં અનેક ગામડાઓમાંથી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ છેલ્લા બે મહિનાથી સેવા કરવા માટે આવે છે. ટ્રાફિકના પ્રશ્નોને પહોંચી વળવા વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થીઓની સુવિધા માટે ૨૪ કલાક મેડીકલ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ સાથે જ વિશાળ રકતદાન યજ્ઞમાં સંતો અને ભકતો રકતદાન કરીને સમાજને મદદરૂપ થશે.

મહોત્સવના મુખ્ય સ્થળે આકર્ષક વિશાળ મંચ દૃશ્યમાન છે. ૧૭૫ ફૂટ લાંબો, ૧૩૦ ફૂટ પહોળો અને ૭૦ ફૂટ ઊંચો આ કલાત્મક મંચ અનેરું આકર્ષણ જમાવે છે. મંચનાં મધ્યભાગમાં અક્ષરદેરીની વિશાળ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. જેની પૃષ્ઠભૂમિ પર અનેક દેવતાઓ અક્ષરદેરીનું પૂજન-અર્ચન કરતા દેખાય છે.

૧૮મી તારીખે સૌરાષ્ટ્ર પંથકના ૮૦૦ ગામના સરપંચો અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવનો ઉદ્ઘોષ કરવા માટે પધાર્યા હતા. તેવી જ રીતે તારીખ ૧૯ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી અહીં સત્સંગના વિવિધ કાર્યક્રમો થશે. જેમાં, સ્વામિનારાયણ નગરનું ઉદ્ઘાટન, યોગી સ્મૃતિમંદિરની વાસ્તુ-પ્રવેશવિધિ, યજ્ઞ અને વિરાટ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૨, જાન્યુઆરી વસંતપંચમીના દિવસે નૂતન અક્ષરદેરીનું પૂજન અને આરતી કરવામાં આવશે. સાંજે મુખ્ય સભામાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ પધારશે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન અને દીક્ષા મહોત્સવનું આયોજન થયું છે.

૨૩  જાન્યુઆરીના રોજ સ્વામિનારાયણ નગરમાં સ્થિત પ્રદર્શન ખંડો જાહેર જનતા માટે ખૂલ્લા મૂકવામાં આવશે. આ પ્રદર્શન ખંડમાં ગુણાતીત ગુરુપરંપરાના ગુરુઓનું જીવન અને કાર્ય વિવિધ માધ્યમો દ્વારા અભિવ્યકત થશે. આધ્યાત્મિકતાની સાથે અનેક જીવન ઉત્કર્ષના કાર્યક્રમો અહીં રજૂ થવાના છે. જેનાથી શુદ્ઘ જીવન, રાષ્ટ્ર અને સમાજ માટે નિસ્વાર્થભાવે સેવા કરવાની પ્રેરણા પ્રાપ્ત થશે.

ગોંડલ ખાતે વિશ્વવિખ્યાત તીર્થધામ અક્ષરદેરીના સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે તડામાર તૈયારીઓ થઈ રહી છે. ગોંડલ શહેરના ઈતિહાસમાં પ્રથમ વાર આટલા મોટા મહોત્સવનું આયોજન થયું છે. ૨૦૦ એકરની ભૂમિ પર ફેલાયેલું સ્વામિનારાયણ નગર મહોત્સવનું મુખ્ય સ્થળ છે. આ સ્વામિનારાયણ નગરમાં સ્થિત અનેક સંસ્કારપ્રેરક પ્રદર્શનખંડો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. ૬ વિવિધ પ્રદર્શનખંડોમાં મહાપુરુષોનાં જીવનચરિત્ર અને ઉપદેશોના આધારે સૌને સુખી અને સંસ્કારમય જીવન જીવવાની પ્રેરણા મળશે.

પ્રથમ 'પરમાનંદ'નામના પ્રદર્શનખંડમાં પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના જીવનને લક્ષ્યમાં રાખીને બોધ આપવામાં આવશે. પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવન દરમ્યાન ૫૫ થી વધુ દેશોમાં ૨.૫ લાખથી વધુ ઘરોમાં વિચરણ કર્યું, ૭.૫ લાખ પત્રો લખ્યાં, ૧૭ હજારથી વધુ ગામડાઓમાં જઈને  લાખો લોકોનાં દુઃખ-દર્દો દૂર કરી તેમને અધ્યાત્મમાર્ગે વાળ્યા. તેઓએ સમાજ માટે વેઠેલાં અસંખ્ય કષ્ટોનો અહીં વિવિધ પ્રતિકૃતિઓ અને આધુનિક માધ્યમો દ્વારા અનુભવ કરાવવામાં આવશે. તેઓએ અગણિત તકલીફો વચ્ચે પણ અપ્રતિમ કાર્ય કર્યું તેનો આછો ચિતાર આ પ્રદર્શન ખંડમાંથી મળશે.

દ્વિતીય પ્રદર્શન ખંડ છે 'મુકતાનંદ'. વ્યસનમુકિતનો ઉત્ત્।મ સંદેશ આપતો આ પ્રદર્શન ખંડ ખૂબ જ અસરકારક છે. એક યુવાનની વ્યસનથી થયેલી બરબાદીની ડોકયુમેન્ટરી ફિલ્મ દ્વારા હૃદયદ્રાવક પ્રસ્તુતિ અહીં બતાવવામાં આવશે. અઠંગ વ્યસનીઓને પણ વ્યસન છોડવાની અહીં પ્રેરણા પ્રાપ્ત થશે.

તૃતીય ખંડ છે 'સહજાનંદ'. એનીમેશન ફિલ્મની રોમાંચક પ્રસ્તુતિ દ્વારા અહીં ભગવાન સ્વામિનારાયણના અસાધારણ જીવન અને કાર્યને દર્શાવવામાં આવશે. અક્ષરદેરી જેમનું સ્મૃતિમંદિર છે, એવા ગુણાતીતાનંદ સ્વામીનું જીવનકવન 'અક્ષરાનંદ'નામના ચોથા પ્રદર્શન ખંડમાં જાણવા મળશે. વિવિધ ચિત્રો, પ્રદર્શન અને ચોટદાર સંવાદો દ્વારા અહીં ખૂબ સુંદર રજૂઆત થશે.

નિત્યાનંદ નામના પાંચમાં પ્રદર્શન ખંડમાં પારિવારિક એકતાનો ઉપદેશ મળશે. આજે વિશ્વભરની સૌથી મોટી સમસ્યા છે, તૂટતાં ઘરો! આધુનિકતાના બહાને પરિવારમાં વધતા કલેશ અને કુસંપને ડામવાનો અહીં સફળ પ્રયાસ છે. સુંદર સંવાદ અને વિડિયોના માધ્યમથી ઘરમાં સુખ-શાંતિ રાખવાના ઉપાયોની આમાં સુંદર પ્રસ્તુતિ થશે.

છઠો પ્રદર્શનખંડ છે 'યોગાનંદ'. ૨૫ વર્ષ સુધી ગોંડલ અક્ષરમંદિરના મહંતપદે બિરાજેલા યોગીજી મહારાજનું નિર્દોષ હાસ્ય તેમની વિશેષતા હતી. અપાર કષ્ટો, ગંભીર બીમારીઓ અને અથાગ પરિશ્રમ વચ્ચે પણ તેઓનું હાસ્ય કદી વિલાયું નો'તુ. સદૈવ બ્રહ્માનંદમાં વિચરતા એવા 'યોગાનંદ'યોગીજી મહારાજના જીવનમાંથી કેટલાક ચૂંટેલા પ્રસંગો દ્વારા અહીં હંમેશાં આનંદમાં રહેવાનું રહસ્ય શીખવા મળશે.

આ સિવાય પણ સ્વામિનારાયણ નગરમાં અખંડ ભજનભકિતની રમઝટ ભજનાનંદ નામના ખંડમાં ચાલશે. સાથે સાથે  રકતદાન યજ્ઞ દ્વારા સમાજસેવાનું ભગીરથ કાર્ય એક ખંડમાં કરવામાં આવશે.

વ્યકિત, કુટુંબ, દેશ અને સમાજની સુખાકારી માટે વ્યસનમુકિત, પારિવારિક એકતા, સ્વચ્છતા અભિયાન જેવા સંદેશ વહાવતા આ પ્રદર્શનખંડો અનેકને દિવ્ય જીવન જીવવાનો માર્ગ ચીંધશે. આમ, વિવિધ પ્રદર્શન ખંડો દ્વારા આ સ્વામિનારાયણ નગર માનવ ઉત્કર્ષનો ઉતમ સંદેશ આપશે.

કોટડાસાંગાણી રોડ ઉપર રાજવાડીની બસ્સો એકર જમીનમાં સ્વામિનારાયણ નગર ઉભુ કરાયું છે. આજે મહોત્સવના પ્રારંભમાં સાંજે સ્વયંસેવક સભાનું આયોજન કરાયું હતું. રાત્રે ૯.૩૦ કલાકે પ.પૂ. મહંત સ્વામી મહારાજનું અક્ષર મંદિર ખાતે આગમન થયું હતું. આજે સાંજે વિરાટ મહાપુજા અને સભાનું આયોજન કરાયું છે. અક્ષર ડેરી લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરાશે.

ઘર આંગણે આવતા મહોત્સવને વધાવતા ગોંડલ વાસીઓઃ હરિભકતોનાં ઉતારા માટે આપ્યા પોતાના નિવાસ સ્થાન

ગોંડલ તા. ૨૦ : અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે મંદિર ખાતે હજારો હરિભકતો દેશ-વિદેશથી આવવાના છે. આથી છેલ્લા ચાર મહિનાથી BAPS સંસ્થાની વેબસાઈટ www.baps.org પર ઉતારા માટેની નોધંણી ચાલુ છે. દેશ તેમજ પરપ્રાંતનાં હરિભકતો માટે ઓનલાઈન એન્ટ્રી શરૂ કરાઈ છે  ઉતારાના કન્ફર્મેશન એક ઈમેલ અને એક કન્ફર્મેશન નંબરથી  જે તે હરિભકતોને જાણ કરવામાં આવે છે.

આ ભવ્ય મહોત્સવ ઉપક્રમે અગાઉ નોંધાવેલ હરિભકતો માટે  ૧૦,૦૦૦થી વધુ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉતારઓ મંદિર કેમ્પસ, ગુરુકુળમાં તેમજ ગોંડલ શહેર અને આજુ બાજુ વસતાં ધર્મપ્રેમી ગૃહસ્થોના ૫૫૦થી વધુ મકાનો, વિવિધ સમાજની વાડીઓ અને અનેક નવનિર્મિત સાઈટ, પ્રસિદ્ઘ તીર્થધામ વીરપુરની તમામ હોટલોનો સમાવેશ થાય છે.

મહોત્સવમાં આવનાર હરિભકતોને  ઉતારાથી અક્ષરમંદિર તેમજ મહોત્સવ સ્થળ સુધી લઈ જવા તેમજ પરત મૂકવા માટે અંદાજે ૧૦ થી વધુ બસો, ૮૦ થી વધુ ગાડીઓ અને ૩૫ થી વધુ બાઈકો તેનાત કરવામાં આવ્યાં છે. શિયાળાના વાતાવરણને ધ્યાનમાં લઈ ઉતારામાં બધા જ હરિભકતો ને સવારમાં સ્નાન માટે ગરમ પાણીની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે.

આધ્યાત્મિકતા અને આધુનિકતાના સુભગ સમન્વય દ્વારા હરિભકતોને પોતાના ઉતારાથી મંદિર સુધી આવવા માટે google map (ગુગલ મેપ)ની લીંક પણ તેઓને પોતાના મોબાઈલમાં જ મળી જાય તેવું સુંદર આયોજન કરાયું છે. આથી આવનાર હરિભકતોને કોઈપણ પ્રકારની અગવડતા રહેશે નહી.

જે હરિભકતો ફકત તા. ૨૨-૦૧-૨૦૧૮ ના  રોજ જ આવવાના છે તેઓ માટે પણ સવારે સ્નાનની વ્યવસ્થા,પૂજાની વ્યવસ્થા અને  સામાન સાચવવા માટે રૂમની સુંદર વ્યવસ્થા પણ ઉતારા વિભાગ દ્વારા કરવામાં આવી છે.

(2:21 pm IST)