Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

સૌરાષ્ટ્ર- કચ્છમાં ટાઢોડુઃ ગિરનાર ૬.૬ નલીયા ૮.૮ ડિગ્રી

લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડીમાં વધારોઃ જો કે બપોરે ઉનાળા જેવી ગરમીની અસર

રાજકોટ તા.૨૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ટાઢોડાની અસર યથાવત છે આજે સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર ૬.૬ ડિગ્રી, નલીયા ૮.૮ ડિગ્રી જામનગર ૧૦.૫, રાજકોટ ૧૩.૨ ડિગ્રી નોંધાઇ છે.

મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડીની વધુ અસર અનુભવાઇ રહી છે જો કે સવારે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને બપોરના સમયે આકરા તાપ સાથે ગરમી સાથે ઉનાળા જેવા વાતાવરણનો અહેસાસ થઇ રહ્યો છે.

જામનગર

જામનગરઃ શહેરનુ તાપમાન ૨૭ મહત્તમ, ૧૦.૫ લઘુતમ, ૯૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૩.૬ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

જુનાગઢ

જુનાગઢઃ સોરઠમાં ફરી ઠંડીનું સામ્રાજય છવાય ગયુ છે. ગિરનાર ખાતે ૬.૬ ડિગ્રી ઠંડીને લઇ પ્રવાસીઓ ઠુઠવાય ગયા હતા.

જુનાગઢ ખાતે ગઇકાલની ઠંડીનો પારો બે ડીગ્રી વધુ ઉતરીને ૧૧.૬ ડિગ્રીએ સ્થિર થતા ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતુ.

જુનાગઢના ગિરનાર પર્વત ખાતે ૬.૬ ડિગ્રી તાપમાન થઇ જતા કડકડતી ઠંડી અનુભવાઇ હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને પવનની ઝડપ ૮.૧ કિમીની રહી હતી.

(11:27 am IST)